દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની સંચાલકીય કટોકટી દરમિયાન ટિકિટ રદ થઈ હોય તેવા મુસાફરોને સંપૂર્ણ ટિકિટ ભાવના ચાર ગણા વળતરની માગણી કરતી દિલ્હી કોર્ટમાં એક જાહેર હિત(PIL)ની અરજી દાખલ કરાઈ છે.
ફ્લાઇટ ડ્યૂટી ટાઇમના નવા નિયમો પછી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન પ્રભાવિત થયેલા તમામ મુસાફરોને આ વળતર ચુકવવામાં એવો તેવો કેન્દ્ર અને ઇન્ડિગોને આદેશ આપવામાં આવે તેવી આ અરજીમાં માગણી કરાઈ છે.
આ અરજી અંગે હાઇકોર્ટમાં બુધવારે સુનાવણી થશે. તેમાં કટોકટી ઊભી કરવામાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ની બેદરકારી અને ભૂલોની નિવૃત્ત ન્યાયાધીશ અથવા લોકપાલ દ્વારા તપાસની પણ માંગ કરાઈ છે. આ બે મહિનાની કટોકટીને કારણે મુસાફરોને થયેલા નુકસાન અને તકલીફ માટે ઇન્ડિગો સામે ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ અનુસાર ક્લાસ એક્શન દાવો શરૂ કરવાની પણ રજૂઆત કરાઈ છે.
સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ (CASC)ના પ્રમુખ પ્રોફેસર વિક્રમ સિંહ મારફત દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ઇન્ડિગોના ફિયાસ્કોએ ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપક ચિંતા ઉભી કરી છે અને છેલ્લી ઘડીએ હજારો ફ્લાઇટ્સ રદ થવાને કારણે ફસાયેલા મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો છે.














