બ્રિટનના કિંગ ચાર્લ્સ III એ શુક્રવારે પ્રકાશિત કરાયેલા એક દુર્લભ વિડિઓ સંદેશમાં, તેમની કેન્સરની સારવાર વિશે પ્રોત્સાહક સમાચાર આપી જણાવ્યું હતું કે વહેલા નિદાન અને અસરકારક સારવારના કારણે તેમના સાપ્તાહિક કાર્યક્રમો રાબેતા મુજબના થઈ શકે છે.
77 વર્ષીય રાજાએ કેન્સર જાગૃતિ અને વહેલા સ્ક્રીનીંગને પ્રોત્સાહન આપવા માટે કેન્સર રિસર્ચ યુકે અને ચેનલ 4ના ‘સ્ટેન્ડ અપ ટુ કેન્સર’ અભિયાન સાથે સુસંગત વિડીયો સંદેશમાં નિષ્ણાતો, નર્સો, રીસર્ચર્સ અને વોલંટીયર્સ સહિત કેન્સરના દર્દીઓની આસપાસના “કેર કોમ્યુનિટી”ની પ્રશંસા કરી ચિંતાજનક આંકડા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું હતું કે “મારા માટે, આ સીમાચિહ્નરૂપ એક વ્યક્તિગત આશીર્વાદ છે અને કેન્સરની સાર-સંભાળમાં નોંધપાત્ર પ્રગતિનો પુરાવો બંને છે. હું લોકોને સ્તન, આંતરડા અને સર્વાઇકલ કેન્સરની તપાસ માટે નવા રાષ્ટ્રીય “સ્ક્રીનિંગ ચેકર” સાધનનો ઉપયોગ કરવા વિનંતી કરૂ છું.’’
બકિંગહામ પેલેસે પુષ્ટિ આપી હતી કે ચાર્લ્સે સારવાર માટે અપવાદરૂપે સારો પ્રતિભાવ આપ્યો છે, જે હવે સાવચેતીના તબક્કામાં જશે. જો કે રાજાએ કેન્સરના પ્રકારને ખાનગી રાખ્યો હતો.
વડા પ્રધાન કીર સ્ટાર્મરે સંદેશને “શક્તિશાળી” ગણાવી કેન્સરની વહેલી તપાસના જીવનરક્ષક મહત્વ પર ભાર મૂક્યો હતો. યુકેમાં ઓછામાં ઓછા નવ મિલિયન લોકો કેન્સર સ્ક્રીનીંગથી માહિતગાર નથી.














