ચાલુ ચોમાસાની ઋતુમાં કચ્છમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી કરનારા મેઘરાજાએ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતાં શુક્રવારે, 4 સપ્ટેમ્બરે ભુજમાં એક કલાકમાં એક ઇંચ તેમજ રાપર વિસ્તારમાં અઢી ઇંચ પાણી વરસાવ્યું હતું, જયારે નખત્રાણા પંથકમાં ભારે ઝાપટા પડ્યા હતા. ભુજ તાલુકાની આહિર પટ્ટીના ગામોમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું.
ભુજમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે એકાએક કાડા ડિબાંગ વાદળો છવાયા હતા અને એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું કંટ્રોલ રૂમમાં નોંધાયું હતું.
બીજી તરફ,ભુજ તાલુકાના દેશલપર અને આસપાસના ગામોમાં એક કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દહિંસરા વિસ્તારમાં પણ વરસી પડતાં નાળામાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. આહીરપટ્ટીમાં લાખોંદ, કાળીતલાવડી, ડગાળા,પધ્ધર અને કુકમા સહિતના વિસ્તારોમાં એકાદ કલાકમા દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર અંધારૂં છવાઇ જવાની સાથે પાણી ફરી વળતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.રાપર તાલુકાના પ્રાંથળ પટ્ટીના બાલાસર, બેલા વગેરે ગામોમાં જોરરદાર ઝાપટાં પડયાં હતાં. તો તાલુકાના સૂવઈ ગામે અઢી ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો હતો. રામવાવ, ખેંગારપર, ગવરીપર, જેસડા, સુદાના, મોટી રવ , કાનમેર વગેરે વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું