સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવીએશન (જીએસીએ) દ્વારા મંગળવારે (23 સપ્ટેમ્બર) જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ભારત સહિતના ત્રણ દેશોથી આવતી – જતી ફલાઈટ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં સતત વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે. ભારત ઉપરાંત બ્રાઝિલ અને આર્જેન્ટીનાની ફલાઈટ્સ ઉપર પ્રતિબંધ મુકાયો છે. જો કે, આ પરિપત્રમાં એવું જણાવાયું છે કે, જે લોકો અન્ય દેશોના નાગરિકો પણ જો સાઉદીમાં આવતા પહેલાના 14 દિવસમાં આ ત્રણમાંથી એકપણ દેશમાં ગયા હશે તો તેમને પણ સાઉદીમાં પ્રવેશ નહીં અપાય. એવો ખુલાસો પણ કરાયો છે કે, જે મુલાકાતીઓ પાસે સત્તાવાર સરકારી આમંત્રણો હશે તેમને આ પ્રતિબંધો લાગું પડશે નહીં.

સાઉદી અરેબિયાના એરપોર્ટ્સ ઉપર અવરજવર કરતી તમામ એરલાઈન્સ તેમજ ચાર્ટર્ડ ફલાઈટસનું સંચાલન કરતી કંપનીઓને આ પરિપત્ર પાઠવાયો છે. સાઉદી અરેબિયા તેમજ પડોશમાં આવેલા યુનાઈટેડ આરબ અમિરાતમાં ભારતીય માઈગ્રન્ટ્સની વસતિ નોંધપાત્ર પ્રમાણમાં છે.

પાંચ દિવસ પહેલા, દુબઈ સિવિલ એવીએશન ઓથોરિટીએ ભારતની એરલાઈન – એર ઈન્ડિયા એક્સપ્રેસની ફલાઈટ્સ એક દિવસ માટે અટકાવી દીધી હતી. 28 ઓગસ્ટ તથા 4 સપ્ટેમ્બરના રોજ, એમ બે ફલાઈટ્સમાં કોવિડ-19 પોઝિટિવ સર્ટિફિકેટ્સ ધરાવતા બે પેસેન્જર આવ્યા હોવાના એર ઈન્ડિયા એક્સપ્રેસ સામે આ કાર્યવાહી થઈ હતી.

દુબઈ યુએઈનું સૌથી વધુ વસતિ ધરાવતું શહેર છે.ભારતમાં પણ રાબેતા મુજબની, શિડ્યુલ્ડ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ તો 23મી માર્ચથી બંધ છે, પણ વંદે ભારત મિશન હેઠળ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સ્પેશિયલ ફલાઈટ્સ 6ઠ્ઠી મેથી ચાલે છે.

હોંગકોંગ દ્વારા પણ ભારતથી આવેલી ફલાઈટમાં થોડા મુસાફરો કોવિડ-19 પોઝિટિવ જણાયાના પગલે 20 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી એર ઈન્ડિયાની ફલાઈટ્સ પર પ્રતિબંધ મુકાયો છે.