(Photo by Christopher Furlong/Getty Images)

ઇયુ ‘કોરોનાબોન્ડ્સ’ બહાર પાડશે

ઇયુ કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયેનએ જર્મન રેડિયોને જણાવ્યું હતું કે ‘’યુરોપિયન કમિશન કોરોનાવાયરસ ફાટી નીકળતાં આર્થિક પડતીને ઘટાડવા માટે સામાન્ય યુરો ઝોન બોન્ડ્સ જારી કરનાર છે. બ્લોકની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે અમે ‘’જો અને તો’’ની ચર્ચા કર્યા વગર બધું કરીશુ. અમે દરેક વસ્તુ તરફ ધ્યાન આપી રહ્યા છીએ અને આ કટોકટીમાં મદદ કરનારી દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે.”

બ્રિટનના રેલ નેટવર્ક અને હીથ્રોએ સેવાઓ ઓછી કરી

બ્રિટનના રેલ નેટવર્કે કોરોનાવાયરસ સંકટ દરમિયાન તેની અડધી સેવાઓ રદ કરશે જ્યારે દેશના સૌથી મોટા હિથ્રો એરપોર્ટે દેશનો મોટાભાગ આંશિક રીતે બંધ થઇ જતા પોતાની સેવાઓ પણ ઓછી કરી છે. વધુને વધુ લોકો ઘરેથી કામ કરે છે અને લોકોએ મુસાફરી બંધ કરી છે તેવા સંજોગોમાં  સોમવારથી ટ્રેનો વિક ડેઝમાં ચાલતી સામાન્ય સેવાઓ કરતા અડધી માત્રામાં જ ચાલશે. બીમારીના ફેલાવાને રોકવા માટે બ્રિટનમાં લોકોને બને તેટલુ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છેપરંતુ તેઓ જરૂર પડે પોતાનુ ઘર છોડા બહાર જઇ શકે છે.

બાકીની રેલ સેવાઓ ઇમરજન્સી સેવાઓમાં કામ કરતા લોકોને નોકરી પર અને ઘરે પરત લઇ જશે અને દેશભરમાં મહત્વપૂર્ણ માલસામાનની હેરફે કરવામાં મદદ કરશે.

બેંક ઓફ ઇંગ્લેન્ડે બેંકોનો વાર્ષિક સ્ટ્રેસ ટેસ્ટ રદ કર્યો

યુરોપિયન યુનિયન દ્વારા અગ્રણી બેંકોનુ હેલ્થ ચેક રદ કરવાના નિર્ણય બાદ બેન્ક ઑફ ઇંગ્લેંડે આઠ મોટી બેંકો અને બિલ્ડીંગ સોસાયટીઓ કોરોનાવાયરસ સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેમનો સ્ટ્રેસ ટેસ્ટ રદ કર્યો હતો. તાજેતરના 2019ના સ્ટ્રેસ ટેસ્ટથી જણાયુ હતુ કે યુકે બેન્કિંગ સિસ્ટમ એ યુકે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉંડી મંદી સામે સ્થિતિસ્થાપક હતી. બ્રિટનને તીવ્ર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. બીઓઇએ ઓપન-એન્ડેડ ફંડમાં ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી સાથેનો તેનો સંયુક્ત સર્વે મુલતવી રાખનાર છે.

જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થા 40% અને યુ.એસ.ના અર્થતંત્રમાં 14%નો ઘટાડો થશે. રેટિંગ્સ એજન્સી મૂડી પણ વિશાળ ડાઉનગ્રેડિંગ માટે તૈયાર છે. કોરોનાવાયરસના કારણે પ્રેટ અ મેન્ગર ઓછામાં ઓછા 3 મહિના માટે સ્ટાફના પગાર અને કલાકોમાં કાપ મૂકનાર છે. બ્રિટનમાં નાની જીન ડિસ્ટિલેરીઝે રાષ્ટ્રીય અછત વચ્ચે હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું શરૂ કર્યું છે.

બ્રિટીશ એરવેઝના પાઇલટ્સના પગારમાં ઘટાડો

એરલાઇન્સને કોરોનાવાયરસના સંકટથી બચાવવા માટે ખર્ચ ઘટાડવાના પ્રયાસ તરીકે બ્રિટીશ એરવેઝ પોતાના પાઇલટ્સને આગામી એપ્રિલ અને મે મહિનાના તેમના મૂળ પગારમાં 50%નો ઘટાડો કરનાર છે. બ્રિટિશ એરવેઝે તેના સ્ટાફને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તે યુકે સ્થિત પાયલોટ યુનિયન BALPA સાથે થયેલ વાટાઘાટ બાદ પ્રારંભિક પગલાં લેવા સંમત થઈ છે. સામે પક્ષે પાઇલટ્સ તેમના પેન્શન યોગદાનને અસ્થાયીરૂપે સ્થગિત કરી શકશે. BALPAએ બી.એ.માં પાઇલટ્સના પગારમાં 50% ઘટાડાના અહેવાલો ખોટા હોવાનુ જણાવ્યુ હતુ.

બેન્ટલી ચાર અઠવાડિયા માટે કાર ઉત્પાદન સ્થગિત કરશે

લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલી આ શુક્રવારના અંતથી તેની બ્રિટીશ ફેક્ટરીમાં કારનું ઉત્પાદન બંધ કરશે. આમ કરનાર તે બ્રિટનના અંતિમ કાર ઉત્પાદકોમાંની એક છે. તેની પેરેન્ટ કંપની વૉક્સવેગને જણાવ્યું હતું કે રોગચાળાના કારણે વેચાણની સપ્લાય ચેનમાં અવરોધ આવતા આખા યુરોપમાં આવેલા પ્લાન્ટમાં આઉટપુટ બંધ કરી દેશે. બેન્ટલીની નોર્ધર્ન ઇંગ્લિશ સાઇટ ક્રુમાં અત્યાર સુધી કામગીરી ચાલુ હતી.

બેન્ટલી દર વર્ષે આશરે 11,000 વાહનો બનાવે છે અને આશરે 4,500 લોકોને રોજગારી આપે છે. આ પગલું તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને બજારમાં ઘટતી જતી માંગને કારણે લેવાયુ હતુ. 20 એપ્રિલે તે ફરીથી ખોલવી જોઈએ એમ કંપનીના બોસ એડ્રિયન હૉલમાર્કે જણાવ્યું હતું. ચીનમાં માંગ ગયા મહિનામાં અપેક્ષા કરતા 50% નીચે હતી પરંતુ માર્ચમાં અપેક્ષિત સ્તરે પરત ફરી રહી છે.

વાયરસનો ભય વધતાં યુરોપિયન શેરબજારમાં કડાકો

કોરોનાવાયરસના અવિશ્વસનીય ફેલાવાનો ભય, અમેરિકાએ ઇકોનોમીને બચાવવા માટે લીધેલા પગલા અને રોગચાળાના કારણે થનારા નુકશાનના ભયને કારણે યુરોપિયન સ્ટોક ઈન્ડેક્સ ફ્યુચર્સ બુધવાર તા. 18ના રોજ 5% થી વધુ ઘટ્યો હતો. યુરો સ્ટોક્સક્સ 50 ફ્યુચર્સ 2012ના સ્તરે ગગડ્યો હતો. જે 10 દિવસમાં નવમી વખત સતત ઘટ્યો હતો. જર્મન ડીએક્સ ફ્યુચર્સમાં પણ 4.1%, ફ્રેન્ચ સીએસી ફ્યુચર્સ અને લંડનના એફટીએસઇ 100 ફ્યુચર્સ પણ 3.9% નીચે નોંધાયો હતો.

કોરોનાવાયરસ ‘અભૂતપૂર્વ પડકાર’: મોરિસન્સ

બ્રિટીશ સુપરમાર્કેટ જૂથ મોરિસન્સે બુધવારે તા. 18ના રોજ ચેતવણી આપી હતી કે તે કોરોનાવાયરસ સાથેના “અભૂતપૂર્વ પડકારો અને અનિશ્ચિતતા”નો સામનો કરી રહ્યુ છે. 2020-21 વર્ષના પ્રથમ છ અઠવાડિયામાં ગત વર્ષની સરખામણીમાં છૂટક વેચાણમાં 5.0%નો વધારો થયો છે. અમારા કર્મચારીઓ અને ગ્રાહકોની સંભાળ રાખવી એ અમારી પ્રાથમિકતા છે અને ખાતરી કરીએ છીએ કે ખરીદી અને કામ કરવા માટે એક સ્વચ્છ અને સલામત જગ્યા બની રહે.” મોરીસન્સે કોરોનાવાયરસ સંકટમાંથી બહાર નીકળવા 3,500 નવી નોકરીઓ ઉભી કરી છે અને હોમ ડિલિવરીની કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

સેઇન્સબરી ગ્રાહકોને મર્યાદિત માત્રામાં માલ વેચશે અને કેફે સહિતની સેવાઓ બંધ કરશે

ગ્રાહકોની ગભરાટભરી ખરીદીને રોકવા સેઇન્સબરી ગ્રાહકોને મર્યાદિત માત્રામાં માલ વેચશે તેમજ ગુરૂવારથી તેના સ્ટોરમા આવેલ કેફે, મીટ, ફીશ અને પીત્ઝા કાઉન્ટર્સને બંધ કરનાર છે. તેમ જ ઓનલાઇન સેવાઓને મજબૂત કરવા સાથે કલેક્શન સાઇટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી વિસ્તૃત ‘ક્લિક એન્ડ કલેક્શન’ સેવા ચલાવશે.

હવે ગ્રાહકો કરિયાણાની વધુમાં વધુ ત્રણ પ્રોડક્ટ અને ટોયલેટ પેપર, સાબુ અને યુએચટી દૂધની વધુમાં વધુ બે પ્રોડક્ટ જ ખરીદી શકશે. સોમવારે અલ્ડીએ રેશનિંગ શરૂ કર્યું હતું અને પ્રતિ ગ્રાહક કોઈપણ એક ઉત્પાદનની ચાર વસ્તુઓજ ખરીદવાની મંજૂરી આપી હતી. સેઇન્સબરી વૃદ્ધો અને નિર્બળ લોકો માટે સ્ટોર્સમાં કેટલાક કલાકો અનામત રાખવાની અને 70 વર્ષથી વધુ વય ધરાવતા અથવા અસક્ષમ લોકોને ઑનલાઇન ડિલિવરી સ્લોટ્સમાં પ્રાધાન્યતા આપવા માંગે છે. આઇસલેન્ડે પણ આજ પ્રથા અપનાવી છે.

કોરોનાવાયરસથી અસરગ્રસ્ત કંપનીઓને 420 બિલીયન ડોલરની મદદ

કોરોનાવાયરસનો ફેલાવો અને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે બ્રિટનનુ અર્થતંત્ર ખોટકાઇ ન પડે તે આશયે બ્રિટન 330 બિલીયન પાઉન્ડની લોન ગેરેંટીની જીવાદોરી બિઝનેસીસને આપનાર છે. આ ઉપરાંત કરમાંથી કપાત, અનુદાન અને અન્ય મદદ માટે વધુ 20 બિલીયન પાઉન્ડ પૂરા પાડનાર છે. ચાન્સેલર ઋષિ સુનકે ફરીથી રિટેલરો, બાર, એરપોર્ટ અને અન્ય કંપનીઓને મદદ કરવા માટે જે કંઈ કરી શકે તે તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. થિંક-ટેન્ક, ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝે હજૂ વધુ કાર્યવાહી કરવાની જરૂર રહેશે એમ જણાવ્યુ હતુ.

સુનકે જણાવ્યું હતું કે, તેઓ નવી લોન ગેરેંટી પ્રોગ્રામની સાથે, તમામ રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર બિઝનેસમાં મિલકત વેરા સસ્પેન્ડ કરશે. જે બ્રિટિશ ઇકોનોમિક આઉટપુટના 15% જેટલું હતું. તે ક્ષેત્રની કંપનીઓને રોકડ અનુદાનની ઓફર કરવામાં આવશે અને સરકાર એરલાઇન્સ અને એરપોર્ટ માટે સપોર્ટ પેકેજ પર ચર્ચા કરશે. હિથ્રો અને ગેટવિક સહિત બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ્સે ચેતવણી આપી છે કે તેઓને સરકાર મદદ નહિ કરે તો સંપૂર્ણ શટડાઉનનો ખતરો છે.

બેંકો અને ધીરાણ કરતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ત્રણ મહિનાની મોર્ગેજ હોલીડે આપશે અને ભાડે રહેતા લોકોને પણ મદદ કરશે. સરકાર નોકરી અને આવકને ટેકો આપવા માટે પણ મદદ કરશે. બીજી તરફ ત્રણ મહિના સુધી દર્દીઓની નિયમિત સર્જરીને રદ કરાઇ છે.

ક્રાઉન કોર્ટની સુનાવણી સ્થગિત કરાશે

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ દિવસથી વધુ સમય ચાલે તેવા ક્રાઉન કોર્ટ કેસ શરૂ થશે નહીં. કારણ કે ઘણાં કેસમાં સાક્ષીઓ, સહયોગીઓ અને વિવિધ લોકોની કોર્ટમાં હાજરીની જરૂર હોય છે. એપ્રિલ 2020ના અંત પહેલા શરૂ થનાર આવા તમામ કેસ સ્થગિત કરવામાં આવશે.

એમેઝોન વેરહાઉસને માત્ર મહત્વપૂર્ણ પુરવઠો જ મળશે

એમેઝોન.કોમ ઇન્ક 5 એપ્રિલ સુધી તેના યુ.એસ., યુ.કે. અને અન્ય યુરોપિયન વેરહાઉસો પર માત્ર મહત્વપૂર્ણ પુરવઠો જ મેળવશે. જેને પરિણામે તે મેડિકલ અને ઘરગથ્થુ માલ માટે પોતાના વેરહાઉસમાં જગ્યા કરી શકશે. તેના ઘરેલુ સ્ટેપલ્સ અને તબીબી પુરવઠાનો સ્ટોક પૂરો થઈ રહ્યો છે ત્યારે આવા ઉત્પાદનોને ઝડપથી પ્રાપ્ત કરવા, ફરીથી સ્ટોક કરવા અને ગ્રાહકોને મોકલવાના ક્રમમાં તે અમુક કેટેગરીઝને પ્રાધાન્ય આપશે.

એમેઝોને બાળકના ઉત્પાદનો, આરોગ્ય અને ઘરગથ્થુ વસ્તુઓ, બ્યુટી અને પર્સનલ કેર, કરિયાણુ, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રોડક્ટ, પાલતુ પ્રાણીઓ માટેનો પુરવઠો, પુસ્તકો વગેરેને આવશ્યક ઉત્પાદનો જાહેર કર્યા છે. આઇફોન કેસ, એરપોડ્સ અને એપલ વૉચ બેન્ડ સહિતની લોકપ્રિય વસ્તુઓ માટેની ગ્રાહકોની માંગ ઘટી છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે યુ.એસ.નું અર્થતંત્ર મંદી તરફ વળી રહ્યું છે.

આયર્લેન્ડ વૃદ્ધોને ઘરે રહેવાની સલાહ આપશે

આયર્લેન્ડની સરકાર એક ચોક્કસ તબક્કે વૃદ્ધો અને લાંબા ગાળાની બીમારી ધરાવતા લોકોને કોરોનાવાયરસના ફેલાવાથી જીવન બચાવવા માટે અઠવાડિયા સુધી ઘરે રહેવાની સલાહ આપશે તેમ વડા પ્રધાન લીઓ વરાડકરે જણાવ્યું હતું. આવા લોકો પાસે ખોરાક, પુરવઠો અને વસ્તુઓ હશે તેની ખાતરી કરવા અમે સિસ્ટમો મૂકી રહ્યા છીએ. આ કટોકટીથી અર્થવ્યવસ્થાને થયેલુ નુકસાન નોંધપાત્ર અને સ્થાયી રહેશે જેને ચૂકવવા માટે વર્ષોનો સમય લાગી શકે છે.