બાઇડન સરકારના ચીફ મેડિકલ ઓફિસર અને ટોચના મહામારીશાસ્ત્રી ડો. એન્થની ફૌસીએ ભારતમાં કોરોના મહામારીના કહેરને અંકુશમાં લેવા માટે થોડા સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવાનું સૂચન કર્યું છે. ડૉ. ફૌસી ભારતના એક વર્તમાનપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બીજી સૌથી મહત્વની બાબત ઓક્સિજન, દવાઓ અને પીપીઇ કીટનો પુરવઠો મેળવવાની છે.

ડૉ. ફૌસીએ કોઇ સરકારનું નામ લીધા વિના જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે વિજયની જાહેરાત બહુ વહેલી કરી દેવામાં આવી હતી. તેમણે એક વર્ષ પહેલાં ચીનમાં થયેલાં કોરોના કેસોના વિસ્ફોટનો દાખલો આપી જણાવ્યું હતું કે તેમણે સંપૂર્ણ લોકડાઉન કરી દીધું હતું. ભારતમાં છ મહિના માટે લોકડાઉન કરવાની જરૂર નથી પણ એક કામચલાઉ લોકડાઉન જાહેર કરીને ચેપની સાયકલને તોડવી જરૂરી છે. થોડા અઠવાડિયા માટે પણ લોકડાઉન જાહેર કરવામાં આવે તો તેની ખાસી અસર પડે છે.

ભારતમાં શનિવારે કોરોનાના ચાર લાખ નવા કેસો નોંધાયા હતા અને એક્ટિવ કેસોનો આંક ૩૨ લાખ કરતાં પણ વધુ હતો. ભારતની વર્તમાન હાલત વિશે તેમણે જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે લોકો તેમના માતા-પિતા અને ભાઇ-બહેનોને શેરીઓમાં લાવે છે અને પછી તેઓ ઓક્સિજન શોધવા નીકળે છે. એવું લાગે છે કે કોઇ સેન્ટ્રલ સંગઠન રહ્યું નથી. તેમણે રસીકરણના મહત્વને સમજાવતાં ઉમેર્યું હતું કે ૧.૪ બિલિયનની વસ્તી ધરાવતાં દેશમાં કુલ વસ્તીના માંડે બે ટકા લોકોને રસી અપાઇ છે તે જોતા ભારતે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. તેમણે રસી બનાવતી કંપનીઓ સાથે વહેલી તકે રસી મેળવવા માટે વાટાઘાટો કરવાની સલાહ આપી જણાવ્યું હતું કે ભારત તો દુનિયાનો સૌથી મોટો રસી બનાવનારો દેશ છે.તમારે તમારી પોતાની ક્ષમતાને વધારવી જોઇએ.