ચોથી ટેસ્ટ
શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતના રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. (@BCCI X/ANI Photo)

ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા પછી ભારત રવિવારે માંચેસ્ટરમાં પુરી થયેલી ચોથી ટેસ્ટ મેચ ભારે સંઘર્ષના અંતે ડ્રોમાં ખેંચી ગયું હતું. મેચની છેલ્લી કલાકમાં ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સનું ખેલદિલી વિહોણું વર્તન ચર્ચાસ્પદ અને ટીકાને પાત્ર બન્યું હતું. ભારત તરફથી ઉપસુકાની કે. એલ. રાહુલ, સુકાની શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બીજી ઈનિંગમાં જબરજસ્ત સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં રનની જંગી સરસાઈ મળી હતી, છતાં તે વિજયથી વંચિત રહ્યું હતું. સીરીઝમાં જો કે, ઈંગ્લેન્ડને 2-1ની સરસાઈ છે ત્યારે હવે લંડનના ઓવલ ખાતે ગુરૂવારથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ શરૂ થવાની છે ત્યારે ભારત માટે સીરીઝ સરભર કરવા તક છે.

પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રોલે અને બેન ડકેટે વિશાળ ભાગીદારી નોંધાવતાં ઇંગ્લેન્ડે મજબૂત પ્રારંભ કર્યો હતો. ઇંગ્લેન્ડે કેપ્ટન બેન સ્ટોક્સના શાનદાર 141 રનની મદદથી 669નો જંગી સ્કોર ખડો કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે આ ઇનિંગ્સમાં તેના મોખરાના ચાર બેટરે 50 વધુ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ગુરુવારે ઓપનર ઝેક ક્રોલેએ 84 અને બેન ડકેટે 94 રન ફટકાર્યા હતાં તો ત્રીજા ક્રમના ઓલિ પોપે 71 અને રૂટે 150 રન ફટકાર્યા હતા. ભારત માટે બંને સ્પિનર વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા બે બે વિકેટ સાથે સફળ બોલર રહ્યાં હતાં.

સીરીઝમાં 7 વખત 350થી વધુના સ્કોરનો ભારતનો વર્લ્ડ રેકોર્ડ

શુભમન ગિલના સુકાનપદે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે ચાર ટેસ્ટ પુરા થતાં સુધીમાં એક વિશિષ્ટ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતે એક જ સીરિઝમાં 7 વખત 350થી વધુ રન કર્યા છે. આ અગાઉ આવી સિદ્ધિ ફક્ત ઓસ્ટ્રેલિયન ટીમના નામે નોંધાઈ હતી.

1920-21માં પહેલી વાર ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 6 વખત 350થી વધુ રન કર્યા હતા. એ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 1948 અને 1989માં ઈંગ્લેન્ડની ધરતી પર આવી જ સિદ્ધિ મેળવી હતી, પરંતુ તે પછી કોઈ પણ ટીમ સીરિઝમાં 6 વખત 350થી વધુ રન કરી શકી નહોતી.

 

LEAVE A REPLY