ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (ફાઇલ ફોટો) ((Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પરાજયનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ ભવન ખાતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આપણે સૌએ સ્વીકારવું પડે કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને આ પેટાચૂંટણીમાં જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ. પ્રજાનો આક્રોશ અને અમારા કાર્યકરોની મહેનતને અમે મતમાં કેમ પરિવર્તિત ના કરી શક્યા એના કારણોનો અભ્યાસ પણ કરીશું અને જ્યાં ખામી રહી ગઈ છે તેમાં સુધારો કરીને આગળ પણ વધીશું. અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી જાહેર જીવનમાં ચૂંટણીઓમાં હારજીત થયા કરે.

કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પરાજયને સ્વીકારી ટ્વિટર પર કવિતા લખીને મુખ્યમંત્રી રૂપાણી તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને અભિનંદન પાઠવ્યાં હતાં. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ચૂંટણીમાં પરાજયનો સ્વીકાર કર્યો હતો. હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યું છે કે જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ, હાર-જીતને લીધે પલ્લું વેપારીઓ બદલતા હોય છે, વિચારધારાના અનુયાયી નહીં. હું લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ.