
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોએ 14 માઓવાદીઓને શનિવારે ઠાર કર્યા હતા. દક્ષિણ બસ્તરના સુકમા અને બિજાપુર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણોમાં 14થી વધુ માઓવાદીઓને ઠાર કર્યા હતા. સુકમાનાં ગાઢ જંગલોમાં માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી ગોળીબાર થયો હતો.
સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં આવેલાં ગાઢ જંગલોમાં મુખ્ય ઘર્ષણ થયું હતું. અહીં સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ ગુપ્ત માહિતીના આધારે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. માઓવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં બંને પક્ષ તરફથી ઘણા સમય સુધી ભારે ગોળીબાર થયો હતો. આ મૃત માઓવાદીઓ મુખ્ય નક્સલી કમાન્ડરનો પણ સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઠાર કરાયેલા મોટાભાગના માઓવાદી દરભા વેલી કમિટી (DVCM) કેડરના હતા, જે એક મહત્વપૂર્ણ માઓવાદી સંગઠન છે. ખાસ બાબત એ છે કે કોન્ટાના એડિશનલ એસપી આકાશ ગિરપુંજેની હત્યામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવતો નક્સલી કમાન્ડરનો પણ આ મૃત માઓવાદીઓમાં સામેલ છે. સુકમામાં ઘર્ષણ સ્થળેથી હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. મૃતકોની ચોક્કસ સંખ્યા જાહેર થઇ નથી. જપ્ત કરાયેલા હથિયારોમાં એક AK-47, એક INSAS રાઇફલ તેમ જ અન્ય ગોળા-બારુદ અને વિસ્ફોટકોનો સમાવેશ થાય છે.











