અમેરિકાની સેનાએ વેનેઝુએલાના ચાર મોટા શહેરો પર આજે હુમલા કર્યા હતા. આ ઉપરાંત હુમલા કર્યા પછીના ટૂંક સમયમાં જ દેશના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીને કેદ કરીને દેશની બહાર લઇ જવામાં આવ્યા હતા. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકાએ વેનેઝુએલા પર મોટાપાયે હુમલા કર્યા છે અને પછી પ્રેસિડેન્ટ અને તેમના પત્નીને દેશની બહાર લઈ જવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નિકોલસ માદુરો રશિયા અને ચીનના જૂના સમર્થક છે. આથી આ બંનેનું દેશનું વલણ કેવું રહેશે તેના પર વિશ્વભરના દેશોની નજર છે. ઘણા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં રાજકીય પરિવર્તના સંકેત જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે, અમેરિકા દ્વારા આ હુમલા માત્ર ડ્રગ્સ વિરુદ્ધ જ નહીં વેનેઝુએલાની વર્તમાન સરકારને હટાવી અન્ય સરકારને લાવવાના પ્રયાસ થઇ રહ્યો હોય તેમ જણાય છે. વેનેઝુએલાની સરકારે અમેરિકા દ્વારા હુમલાની ટીકા કરી હતી. તેમનો આરોપ છે કે અમેરિકાએ માત્ર કારકાસ જ નહીં પરંતુ મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. પ્રેસિડેન્ટ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી હતી. આ સ્થિતિમાં કોલંબિયાના પ્રેસિડેન્ટ ગુસ્તાવો પેટ્રોએ વેનેઝુએલાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો હોવાથી યુનાઇટેડ નેશન્સે તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ક્યુબાના પ્રેસિડેન્ટ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી હતી. તેમણે અન્ય દેશોને પણ અરજ કરી હતી કે, તેમણે અમેરિકાના ‘ગુનાઇત’ કૃત્યનો વિરોધ કરવો જોઈએ. આ હુમલો લેટિન અમેરિકન પ્રદેશ વિરુદ્ધ એક પ્રકારનો ‘ત્રાસવાદ’ જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ વારંવાર વેનેઝુએલાને ધમકી આપી હતી. આથી બંને દેશોએ સેનાને સતર્ક કરી હતી. અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે, વેનેઝુએલામાં ડ્રગ્સની હેરાફેરી થાય છે.
વેનેઝુએલાના પ્રેસિડેન્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે તેઓ અમેરિકા સાથે ચર્ચા કરવા તૈયાર છે. એક ઈન્ટરવ્યૂમાં વેનેઝુએલાના પ્રેસિડેન્ટ માદુરોએ કહ્યું હતું કે, ટ્રમ્પ કોઇપણ રીતે વેનેઝુએલામાં સત્તાપલટો કરાવવા ઇચ્છે છે. અમેરિકા, વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારને હસ્તગત કરવા છે. બીજી તરફ અમેરિકાનો આરોપ છે કે, પ્રેસિડેન્ટ માદુરો અમેરિકામાં નાર્કો ત્રાસવાદ પ્રસરાવે છે.














