(ANI Photo)

હિંદુઓ પરની હિંસાને પગલે ભારત અને બાંગ્લાદેશનના સંબંધો વધુ વણસી રહ્યાં છે. બાંગ્લાદેશ સરકારે સોમવારે દેશભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારે કહ્યું હતું કે આગામી IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બાંગ્લાદેશ ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કાઢી મૂકવાના નિર્ણયથી અમે દુ:ખી અને આક્રોશમાં છીએ. જેથી આગામી આદેશ સુધી IPLની મેચ અને તેને લગતાં તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપીએ છીએ.

આ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇટ્સ (KKR)ને બાંગ્લાદેશ ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ઇમર્જન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ ન કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ હવે ભારતમાં તેની T20 વર્લ્ડ કપ મેચ રમવા તૈયાર નથી અને ઇચ્છે છે કે તેની મેચો શ્રીલંકા ખસેડવામાં આવે. BCB T20 વર્લ્ડ કપમાંથી ખસી રહ્યું નથી, પરંતુ સુરક્ષાના કારણોસર હવે તેના ખેલાડીઓને ભારત મોકલવા માંગતું નથી.

ગયા મહિને ખેલાડીઓની હરાજીમાં KKRએ 30 વર્ષીય બાંગ્લાદેશી ડાબોડી બોલરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

બાંગ્લાદેશના સલાહકાર અને દેશના યુવા અને રમતગમત મંત્રાલયની દેખરેખ રાખતા આસિફ નજરુલે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, બીસીબીએ ટી20 વર્લ્ડ કપ માટે ભારતની યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત જશે નહીં. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે આ નિર્ણય લીધો છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, જે ભારતીય ક્રિકેટ બોર્ડની આક્રમક સાંપ્રદાયિક નીતિઓના સંદર્ભમાં લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં ટોળા દ્વારા હિન્દુઓની હત્યાને કારણે કેટલાક લોકોની માંગને પગલે BCCI દ્વારા રહેમાનને ભારતમાં રમવાની મંજૂરી ન મળતાં, નઝરુલે ભારતમાં તેના ખેલાડીઓની સલામતી અંગે આશંકા વ્યક્ત કરી અને તેથી સ્થળ બદલવાની માંગ કરી હતી.

બાંગ્લાદેશ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઇટાલી, 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને 17 ફેબ્રુઆરીએ નેપાળ સામે અનુક્રમે કોલકાતાના ઈડન ગાર્ડન્સ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ મેચ રમવાનું છે.

LEAVE A REPLY