(ANI Photo)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં રમાનારી પુરૂષોના ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ મંગળવારે જાહેર કર્યો હતો. ભારતમાં મેચો રમાવાની હોવા છતાં તેમાં ભારત – પાકિસ્તાન વચ્ચેના મુકાબલા શ્રીલંકા રમાશે. પાકિસ્તાનની ટીમ ફાઈનલ સુધી નહીં પહોંચે તો ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં રમાશે, પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે તો એ મેચ કોલંબોમાં રમાશે.

ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાના 7 શહેરોમાં રમાશે. 29 દિવસમાં કુલ 55 મેચ રમાશે. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયો છે.

પ્રથમ મેચ ભારત અને અમેરિકા વચ્ચે થશે. ગ્રૂપ સ્ટેજમાં દરરોજ 3 મેચ રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમવાની છે, તેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ભારતમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં તથા શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મેચ રમાશે. કોલંબોના 2 સ્ટેડિયમમાં મેચ રમાશે. ગ્રુપ એમાં ભારત સાથે પાકિસ્તાન, અમેરિકા, નેધરલેન્ડ્સ અને નામિબીઆની ટીમોનો સમાવેશ થાય છે, તો ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાન, ગ્રુપ સીમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઈટાલી અને નેપાળ તથા ગ્રુપ ડીમાં સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અફઘાનિસ્તાન અને યુએઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની ગ્રુપ મેચ મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં રમાશે.

લીગ સ્ટેજ પછી દરેક ગ્રૂપમાંથી 2-2 ટોચની ટીમને સુપર-8 સ્ટેજમાં એન્ટ્રી મળશે. સુપર-8માં પણ ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. અહીં પણ 2-2 ટોચની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે, અને સેમિફાઈનલ જીતનારી ટીમ 8 માર્ચના રોજ અમદાવાદમાં ફાઈનલ રમશે.

ગ્રૂપ સ્ટેજમાં 7 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી દરરોજ 3 મેચ રમાશે, જ્યારે 20 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે એક જ મેચ હશે. એ પછી 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડ શરૂ થશે, જેમાં કુલ 12 મેચ હશે. સુપર-8માં 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ 2-2 મેચ થશે, જ્યારે બાકીના દિવસોમાં 1-1 મેચ હશે. 4 માર્ચના રોજ કોલકાતામાં (પાકિસ્તાન હશે તો આ મેચ કોલંબોમાં) પહેલી સેમિફાઈનલ અને 5 માર્ચના રોજ મુંબઈમાં બીજી સેમિફાઈનલ થશે. અને 8 માર્ચના રોજ અમદાવાદમાં ફાઈનલ રમાશે (પાકિસ્તાન ફાઈનલમાં આવ્યું તો આ મેચ કોલંબોમાં શિફ્ટ થશે).

LEAVE A REPLY