પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટ્રમ્પ ટેરિફથી ભારતની આર્થિક વૃદ્ધિ પર કોઇ અસર થશે નહીં, કારણ કે ભારત વિદેશ વેપાર કેન્દ્રીત અર્થતંત્ર નથી. ભારતનું સોવરેન રેટિંગનું આઉટલૂક પણ પોઝિટિવ રહેશે. એમ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યીફાર્ન ફુઆએ બુધવારે જણાવ્યું હતું. ગયા વર્ષે મે મહિનામાં, S&P એ મજબૂત આર્થિક વૃદ્ધિને ટાંકીને ભારતના સોવરેન રેટિંગ ‘BBB-‘ ના આઉટલૂકને વધારીને પોઝિટિવ કર્યું હતું.

6 ઓગસ્ટના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ ભારતીય આયાત પર હાલના ૨૫ ટકા ડ્યુટી ઉપરાંત ૨૫ ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. જેનાથી ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટેરિફથી ભારતના સોવરિન રેટિંગના પોઝિટિવ આઉટલૂક સામે જોખમ ઊભું થશે કે નહીં તેવા સવાલના જવાબમાં યીફાર્ને જણાવ્યું હતું કે “મને નથી લાગતું કે ભારત પર લાદવામાં આવેલી ટેરિફથી આર્થિક વિકાસ પર કોઈ પ્રભાવ પડશે, કારણ કે ભારત ખૂબ વેપારલક્ષી અર્થતંત્ર નથી. અને ભારતની અમેરિકામાં નિકાસ તેની જીપીડીના આશરે 2 ટકા છે.

S&Pએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે પાછલા નાણાકીય વર્ષ જેટલો જ છે.યીફાર્ને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકામાં નિકાસ કરતા ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.લાંબા ગાળે અમને નથી લાગતું કે ઊંચા ટેરિફથી ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડશે, અને તેથી, ભારત પર સકારાત્મક દૃષ્ટિકોણ રહે છે.

અમેરિકાની ટેરિફથી ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહને અસર થશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષમાં વિશ્વની કંપનીઓ ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચ અપનાવી રહી છે અને કંપનીઓ મુખ્યત્વે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારતમાં બિઝનેસ સ્થાપી રહી છે. અમેરિકામાં નિકાસ માટે નહીં, પરંતુ સ્થાનિક માગને પૂરી કરવા માટે ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ સ્થાપી રહી છે. ભારતનું બજાર ઘણું મોટું છે અને મધ્યમવર્ગ વધી રહ્યો છે. જેઓ ભારતમાં વધુ રોકાણ કરવા અને નિકાસ કરવા માંગે છે તેમના માટે પણ, તે યુએસ બજાર હોવું જરૂરી નથી.

LEAVE A REPLY