અમદાવાદમાં 12 જૂનના પ્લેન ક્રેશમાં સ્વજનો ગુમાવનારા ભારત અને યુકેના ઓછામાં ઓછા 65 પરિવારોએ પોતાનો કેસ લડવા માટે અમેરિકા સ્થિત પ્રખ્યાત લો ફર્મ બીસલી એલનની સેવા લીધી છે. આ લો ફર્મના એવિએશન એટર્ની માઈક એન્ડ્રુઝે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ કેટલાક પીડિત પરિવારોને મળ્યાં હતાં. એન્ડ્રુઝ સુરત અને પછી દીવ જશે, જ્યાં તેઓ કેસ આગળ વધારવા માટે સંમત થયેલા પરિવારોને મળશે.
પત્રકારો સાથે વાતચીત કરતાં એન્ડ્રુઝે જણાવ્યું હતું કે ચાલુ તપાસના તારણોના આધારે પરિવારો પાસે યુએસ કોર્ટમાં પ્રોડક્ટ લાયેબિલિટી દાવો દાખલ કરી શકે છે. પરિવારો જાણવા માંગે છે કે શું થયું, શા માટે થયું અને તેમની પાસે કયા વિકલ્પો છે.
તેમણે કેન્દ્ર સરકારને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તેમજ કોકપિટ વોઇસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવા વિનંતી હતી કરી જેથી વકીલો અને નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરી શકે અને વધુ કાનૂની વિકલ્પો શોધી શકે.
એન્ડ્રુઝે કહ્યું હતું કે “અમે ક્રેશ સ્થળની મુલાકાત લીધી અને ત્યાં હાજર કેટલાક વ્યક્તિઓ સાથે વાતચીત કરી. અમે કેટલાક ફોટોગ્રાફ્સ લઈ શક્યા અને ઘટનાસ્થળના કદનો અનુભવ કર્યો. અમે યુકે અને ભારતના પરિવારોને મળ્યા, અને તે બધાએ જવાબો, પારદર્શિતા અને માહિતી માટે તેમની માગણી કરી છે. અમે હાલમાં 65 પરિવારોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જે ભારત અને યુકે બંનેના નાગરિક છે. કાનૂની વિકલ્પો ડેટા અને તપાસમાં જે બહાર આવે છે તેના પર આધારિત છે. તે અમને ખ્યાલ આપશે કે કઈ એન્ટિટી જવાબદાર હોઈ શકે છે. જો બોઇંગ આ ક્રેશ માટે જવાબદાર હોવાનું બહાર આવશે તો યુએસમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરાશે.
આ કેસમાં ભારતીય પાઇલટ્સને ઇરાદાપૂર્વક દોષિત ઠેરવવામાં આવી રહ્યાં કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ફક્ત ભારતીય પાઇલટ્સ જ નહીં, મોટાભાગે, મૃત્યુ પામેલા પાઇલટ્સને જ દોષિત ઠેરવવામાં આવે છે. જ્યાં વિમાનો સુરક્ષિત રીતે લેન્ડ થયા હોય તેવા કેસોમાં પાઇલટ્સને દોષિત ઠેરવવામાં આવતા નથી, કારણ કે કારણ કે પાઇલટ્સ પોતાના માટે બોલી શકે છે.
