તાઇવાનના પ્રેસિડેન્ટ સાઇ ઇંગ-વેનના અમેરિકા પ્રવાસથી નારાજ થયેલી ચીન સરકારે રોનલ્ડ રેગન પ્રેસિડેન્ટ લાઇબ્રેરી અને અમેરિકન તેમ જ એશિયન સંસ્થાઓ પર પ્રતિબંધ લાદ્યો છે. ઇંગ-વેને અમેરિકન હાઉસના સ્પીકર સાથે મુલાકાત કરી તેના એક દિવસ અગાઉ જ પ્રેસિડેન્ટ શી જિનપિંગે જણાવ્યું હતું કે, તાઇવાન માટે ચીન તેના વલણ સાથે સમાધાન કરશે તેવું માનવું ભૂલભરેલું છે.
મંત્રણા નહીં કરવા માટે ચીનની સતત ચેતવણી છતાં સાઇએ ગુરુવારે સ્પીકર મેકાર્થી સાથે મુલાકાત કરી હતી. તાઇવાનની અન્ય દેશો સાથે સત્તાવાર મુલાકાત અને વાટાઘાટને ચીન તેના દાવાનું ઉલ્લંઘન ગણે છે. ઉલ્લેખનીય છે કે, સાઇએ કેલિફોર્નિયાની સિમી વેલી ખાતે આવેલી ‘ધ રોનાલ્ડ રેગન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી’ની મુલાકાત લીધી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓનું જૂથ પણ સામેલ હતું. અમેરિકાના અધિકારીઓ અને તાઇવાનના પ્રેસિડેન્ટ વચ્ચે આ બીજી ઉચ્ચ બેઠક હતી. સાઇને ૩૦ માર્ચે જ્યાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો એ હડસન ઇન્સ્ટિટ્યુટ પર પણ ચીને પ્રતિબંધ મૂક્યો હતો. ચીન દ્વારા અન્ય પ્રતિબંધિત જૂથોમાં એશિયાના ‘ધ પ્રોસ્પેક્ટ ફાઉન્ડેશન’ તેમજ ‘કાઉન્સિલ ઓફ એશિયન લિબરલ્સ એન્ડ ડેમોક્રેટ્સ’નો સમાવેશ થાય છે. તાઇવાનની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવામાં સક્રિય સંડોવણીને કારણે આ સંસ્થાઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. જિનપિંગે ગુરુવારે બેઇજિંગ ખાતેની એક મીટિંગમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉરસુલા વોન ડર લિયનને જણાવ્યું હતું કે, “ચીન માટે તાઇવાન બહુ મહત્વનો મુદ્દો છે. કોઇ પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે તો ચીનના લોકો તેની સાથે સહમત નહીં થાય.”

LEAVE A REPLY

five × five =