બોલીવૂડમાં જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શને તાજેતરમાં ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૈફ અલી ખાન અને અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ‘હૈવાન’માં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ કેમિયો કરશે.
પ્રિયદર્શન અત્યારે કોચીમાં છે, તેમની નવી ફિલ્મ ‘હૈવાન’નું શૂટિંગ કરી રહ્યા છે. જેમાં સૈફ અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ પર આધારિત છે. તેના સંવાદ અને સ્ટોરીમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.
પનામ્પિલી નગરમાં ફિલ્મના સેટ એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે 2016ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઓપ્પમ’માં મુખ્ય ભૂમિકા મોહનલાલે ભજવી હતી. તેમણે 100 ફિલ્મો પૂર્ણ કર્યા પછી સિનેમામાંથી નિવૃત્તિ લેવાનો પણ સંકેત આપ્યો હતો.
પ્રિયદર્શને ‘હેરા ફેરી 3’ સહિતની સીક્વલ બનાવવા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું, “હું સામાન્ય રીતે મારી મૂળ ફિલ્મોને સીક્વલ સાથે ફરીથી જોતો નથી – તે રીતે કામ કરવું મને ગમતું નથી. પરંતુ હું ચોક્કસપણે ‘હેરા ફેરી 3’ બનાવીશ, કારણ કે નિર્માતાઓ લાંબા સમયથી તેની વિનંતી કરી રહ્યા છે. એકવાર હું આ ફિલ્મો પુરી કરીશ, પછી આશા છે કે હું નિવૃત્તિ લઈ શકું. હું હવે થાકી ગયો છું.”
‘હૈવાન’માં મોહનલાલની ભૂમિકા વિશે બોલતા, પ્રિયદર્શને કહ્યું, “તેમનું પાત્ર ચોક્કસપણે દર્શકો માટે એક સરપ્રાઇઝ હશે.” તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેમની નવી ફિલ્મમાં મલયાલમ સુપરસ્ટાર મુખ્ય ભૂમિકામાં હશે કારણ કે તે તેમની 100મી ફિલ્મ છે. બાળપણના મિત્રો મોહનલાલ અને પ્રિયદર્શનની પહેલી ફિલ્મ, પૂચક્કોરુ મુકુકુથી (1984)થી એકસાથે કામ કરી રહ્યા છે. પ્રિયદર્શનની 100મી ફિલ્મની વાર્તા હજુ સુધી નક્કી થઈ નથી, પરંતુ તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવા ઇચ્ચે છે.
‘હૈવાન’ મોટા બજેટ પર બનાવવામાં આવી રહી છે. તેમાં શ્રીયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. કોચીમાં શૂટિંગ પછી કલાકારો અને ક્રૂ વાગામોન, ઉંટી અને મુંબઈ જશે.
