ભારત સરકારે બુધવારે પુષ્ટિ આપી હતી કે સરકાર દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટને આતંકવાદી કૃત્ય તરીકે ગણી રહી છે અને ગુનેગારો સામે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરાશે.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે થયેલા બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા અને શરુઆતમાં સરકારે આતંકવાદી ઘટના છે કે નહીં તેની સ્પષ્ટતા કરી ન હતી. આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદીએ 12 નવેમ્બર દિલ્હીમાં સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટે દિલ્હી બ્લાસ્ટની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સરકારે જણાવ્યું હતું કે આ ઘટના જઘન્ય અપરાધ છે. દોષિતોની જલ્દી ઓળખ કરાશે. મોડું કર્યા વગર દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. તપાસ, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ હતી. કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની અલગથી બેઠક યોજાઈ હતી.
આ બેઠક પછી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે. પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. કેબિનેટે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી હતી અને આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જાહેરાત કરી હતી.












