મિલકતો જપ્ત
(istockphoto.com)

ગુજરાતના અમરેલી શહેરની એક સેશન્સ કોર્ટે ગૌહત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા અને ૧૮ લાખ રૂપિયાનો મોટો દંડ પણ ફટકાર્યો હતો.

ખાસ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ જણાવ્યું હતું કે સેશન્સ કોર્ટના જજ રિઝવાના બુખારીએ મંગળવારે ત્રણ આરોપીઓ કાસિમ હાજી સોલંકી, સત્તાર ઇસ્માઇલ સોલંકી અને અકરમ હાજી સોલંકીને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) ધારા, 2017ની વિવિધ કલમો હેઠળ ગૌહત્યા કેસમાં દોષિત ઠેરવ્યા હતાં અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે ત્રણેય પર ૧૮ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ગુજરાતમાં ગૌહત્યા કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે.

કેસની વિગતો મુજબ, પોલીસને 2023માં અમરેલી શહેરમાં ગાયોને પકડીને કતલ કરીને ગૌમાંસ વેચી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે, પોલીસે શહેરના એક ઘરમાં દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 40 કિલો ગૌમાંસ, કતલ કરાયેલ ગાયના શરીરના ભાગો અને તે હેતુ માટે વપરાતા સાધનો જપ્ત કર્યા હતા. કાસિમ સોલંકીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા અને પાછળથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આ ચુકાદાને આવકાર્યો હતો. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર ગૌરક્ષા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ગાય ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાના કેન્દ્રસ્થાને છે. રાજ્ય સરકાર ગૌહત્યા જેવા ગુનાઓ માટે કોઈ દયા બતાવશે નહીં.આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે રાજ્ય સરકાર ગાય સાથે અન્યાય કરનારાઓને કડક કાયદાકીય પાઠ ભણાવશે. આ ઐતિહાસિક ચુકાદા પછી ભવિષ્યમાં ગૌહત્યા વિશે વિચારનારાઓ પણ ધ્રૂજશે.

ગુજરાતની ભાજપ સરકારે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો પસાર કર્યો હતો. બાદમાં 2017માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો અને આજીવન કેદની જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

 

 

LEAVE A REPLY