London cityscape with Houses of Parliament and Big Ben tower at sunset, UK

બ્રિટિશ હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી નવી અંબ્રેલા એક્શન ફોર હાર્મનીએ બ્રિટિશ ભારતીય પીઅર બેરોનેસ સેન્ડી વર્માની સહાયથી સોમવારે યુકે પાર્લામેન્ટ સંકુલના ઐતિહાસિક ચર્ચિલ રૂમમાં “ઇન કન્વર્ઝેશન વિથ ધ હિન્દુ કોમ્યુનિટી” શીર્ષક હેઠળ તેનો પ્રથમ કાર્યક્રમ યોજ્યો હતો. સંસ્થાનો હેતુ પક્ષની રેખાઓથી આગળ વધીને લૉ મેકર્સ સુધી સમુદાયની ચિંતાઓ પહોંચાડવાનો હતો.

સંસ્થાના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ મેળાવડો સમુદાયને એક કરવા માટે પ્રથમ પગલું છે જેથી જાહેર નીતિ ઘડવામાં તેનો અવાજ સંભળાય. 60થી વધુ સામુદાયીક જૂથો, સાંસ્કૃતિક સંગઠનો અને બિઝનેસ સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં લેબર, કન્ઝર્વેટિવ, લિબરલ ડેમોક્રેટ્સ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના સંસદ સભ્યો અને મંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.

હાજરી આપનારા નોંધપાત્ર અગ્રણીઓમાં એમપી ડોન બટલર, બોબ બ્લેકમેન, સીમા મલ્હોત્રા, ગગન મોહિન્દ્રા અને બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ ડોલર પોપટ અને લોર્ડ ટોની સેવેલનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર લક્ષ્મણન શિવકુમારની આગેવાની હેઠળ વૈદિક પ્રાર્થનાથી થઈ હતી.  ત્યારબાદ બ્રહ્માકુમારીઝના જયમિનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વક્તાઓએ બ્રિટિશ હિન્દુઓને રાજકીય જીવનમાં જોડાવાની અને તેમના ધર્મ વિશેની ગેરમાન્યતાઓને પડકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ટોરી સાંસદ બોબ બ્લેકમેને જાહેર સંસ્થાઓમાં હિન્દુઓના ઓછા પ્રતિનિધિત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને સમુદાયના અવાજને મજબૂત બનાવવાના તાજેતરના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

એક્શન ફોર હાર્મનીએ જણાવ્યું હતું કે આ પહેલ હિન્દુ સંગઠનો અને યુકેના સંસદસભ્યો વચ્ચે ચાલુ સંવાદની શરૂઆત છે.

LEAVE A REPLY