ભારતમાં લોકડાઉન ધીમેધીમે હળવું થઈ રહ્યું છે પણ એરલાઇન સહિત પ્રવાસ ઉદ્યોગે ‘અચ્છે દિન’ માટે હજુ રાહ જોવી પડશે એવો સંકેત છે. એક સરવેની વિગત અનુસાર ૨૦ ટકાથી પણ ઓછા લોકો તહેવારોની સિઝનમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં વેકેશનની મજા માણવા પ્રવાસ માટે તૈયાર છે. ભારતમાં દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં દશેરા, દુર્ગા પૂજા, દિવાળી સહિતના તહેવારો આવે છે. ઉપરાંત, રજાઓમાં પ્રવાસ માટે ઇચ્છુક લોકો પણ મુસાફરીની તારીખ નજીક જ બુકિંગ કરાવવા માંગે છે.
ઓનલાઇન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના જણાવ્યા અનુસાર “કોવિડ-૧૯ને કારણે (સરવેમાં ભાગ લેનારા) માત્ર ૧૯ ટકા નાગરિકો જ તહેવારોમાં મુસાફરી માટે તૈયાર છે. જેમાં ૨૩ ટકા લોકો ફ્લાઇટ અને ૩૮ ટકા લોકો કાર અથવા કેબ દ્વારા ટ્રાવેલિંગની યોજના ધરાવે છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સરવેનો હેતુ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિમાં કેટલાક લોકો આગામી તહેવારોમાં પ્રવાસની યોજના બનાવી રહ્યા છે એ જાણવાનો હતો. સરવેમાં દેશના ૨૩૯ જિલ્લામાંથી ૨૫,૦૦૦ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.