ભારતની મુલાકાતના થોડા દિવસો પહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં છે. તેનાથી બે અબજ લોકોનો સમાવેશ કરતું એક બજાર બનશે અને તે વૈશ્વિક જીડીપીના આશરે 25 ટકાને આવરી લેશે.
યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2023-24ના નાણાકીય વર્ષમાં બંને વચ્ચે 135 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. મુક્ત વેપાર કરારથી સંખ્યાબંધ ક્ષેત્રોમાં વેપાર સંબંધોને વેગ મળશે અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનો સામનો કરવામાં મદદ મળશે. મુક્ત વેપાર કરાર ઉપરાંત બંને પક્ષો શિખર સંમેલનમાં ડિફેન્સ ફ્રેમવર્ક કરાર અને વ્યૂહાત્મક એજન્ડાનું પણ અનાવરણ કરે તેવી શક્યતા છે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક સંબોધનમાં વોન ડેર લેયેને હાલના ભૌગોલિક-રાજકીય આંચકા અને 27-રાષ્ટ્રોનું યુરોપિયન યુનિયન તેની કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે તેની વિગતાવાર માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તકનો લાભ લેવાનો અને એક નવા સ્વતંત્ર યુરોપનું નિર્માણ કરવાનો સમય આવી ગયો છે.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને વોન ડેર લેયેન 25થી 27 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે આવશે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે. આ બંને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર વાટાઘાટો પણ કરશે. 27 જાન્યુઆરીએ ભારત-EU સમિટમાં બંને પક્ષો બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરારની વાટાઘાટોના સમાપનની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે.
દાવોસમાં પોતાના ભાષણમાં વોન ડેર લેયેને જણાવ્યું હતું કે યુરોપ આજના આર્થિક વિકાસ કેન્દ્રો અને આ સદીના આર્થિક પાવરહાઉસ સાથે વેપાર કરવા માંગે છે. હું ભારતની યાત્રા કરીશ. હજુ કામ કરવાનું બાકી છે, પરંતુ આપણે એક ઐતિહાસિક વેપાર કરારની નજીક પહોંચી ગયા છીએ. કેટલાંક લોકો તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહે છે. આ એક એવો કરાર છે, જે 2 અબજ લોકોનું બજાર બનાવશે, જે વૈશ્વિક GDPના લગભગ એક ચતુર્થાંશ હિસ્સો આપે છે. આ કરારથી યુરોપને વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ નોંધાવતા અને સૌથી ગતિશીલ ખંડમાં સૌથી પહેલા કરાર કરવાનો લાભ મળશે. લેટિન અમેરિકાથી લઈને ઈન્ડો પેસિફિક અને તેના સિવાયના પ્રદેશો સુધી યુરોપ હંમેશા વિશ્વને પસંદ કરે છે અને દુનિયા પણ યુરોપને પસંદ કરવા તૈયાર છે.













