ભારતને બેડમિન્ટનમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે મંગળવાર, 20 જાન્યુઆરીએ સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી હતી. 35 વર્ષીય સાઇના છેલ્લા બે વર્ષથી ઘૂંટણની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. સાઈનાએ છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2023માં સિંગાપોર ઓપનમાં રમી હતી. ભારત સરકારે તેની સિદ્ધિઓ બદલ તેને પદ્મ ભૂષણ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડ્સથી સન્માનિત કરી છે.
એક પોડકાસ્ટમાં સાઈનાએ જણાવ્યું હતું કે હવે પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટમાં પરત ફરશે નહીં. મારા ઘૂંટણની કાર્ટિલેજ પૂરેપૂરી ઘસાઈ ગઈ છે અને મને આર્થરાઈટિસ છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે જરૂરી 8-9 કલાકની સખત ટ્રેનિંગ કરવી અશક્ય બની ગઈ હતી. મેં બે વર્ષ પહેલા જ રમવાનું બંધ કરી દીધું હતું. મેં રમતની શરૂઆત મારી શરતો પર કરી હતી અને વિદાય પણ મારી શરતો પર જ લીધી છે. મને નિવૃત્તિની કોઈ મોટી જાહેરાત કરવાની જરૂર ન લાગી, કારણ કે મારી ગેરહાજરીથી લોકોને ધીમે-ધીમે સમજાય જ ગયું હતું કે હવે હું રમી રહી નથી.
સાઇનાએ 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેને 2015માં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતાં. કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા શટલર હતી.














