પશ્ચિમ લંડનના હેમરસ્મિથ અને ફુલહમના લેબર પાર્ટીના કાઉન્સિલર અને પેન્શન બોર્ડના અધ્યક્ષ અશોક પટેલને બાકી રહેલો કાઉન્સિલ ટેક્સ ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે. બેઝમેન્ટના ટેક્સ વર્ગીકરણના વિવાદને કારણે છેલ્લા ત્રણ વર્ષથી તેનો આશરે £4,700 જેટલો ટેક્સ બાકી હતો.
‘લોકલ ડેમોક્રસી રીપોર્ટિંગ સર્વિસ’ (LDRS) એ મેળવેલી વિગતો અનુસાર સેન્ડ્સ એન્ડ વોર્ડના પ્રતિનિધિ અશોક પટેલને 2023/24 માં કોર્ટનું સમન્સ જારી કરાયું હતું. તેમણે છેલ્લા ત્રણ વર્ષથી તેમના ઘરના બેઝમેન્ટનો ટેક્સ ભર્યો નહોતો.
સ્થાનિક સત્તામંડળે બાકી લેણાં વસૂલવા માટે કોર્ટમાંથી ‘લાયબિલિટી ઓર્ડર’ મેળવ્યો હતો. આ ઓર્ડર પછી ફેબ્રુઆરી 2024માં કાઉન્સિલર પાસેથી £4,703.66ની પૂરેપૂરી રકમ વસૂલ કરાઈ હતી.
હેમરસ્મિથ અને ફુલહમ લેબર પાર્ટીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અશોક પટેલ અને ‘વેલ્યુએશન ઓફિસ’ વચ્ચે બેઝમેન્ટના વર્ગીકરણ બાબતે વિવાદ ચાલતો હતો. સરકારી ઓફિસ આ બેઝમેન્ટને એક અલગ મિલકત તરીકે ગણી રહી હતી, જેની સામે કાઉન્સિલરને વાંધો હતો. જોકે, તેમણે મિલકતના બાકીના હિસ્સાનો ટેક્સ નિયમિતપણે ચૂકવ્યો હતો.
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે, “જેવી તેમને જાણ થઈ કે વિવાદના ઉકેલની રાહ જોતી વખતે પણ ટેક્સ ચૂકવવો અનિવાર્ય છે, એ પછી તરત જ તેમણે પૂરેપૂરી રકમ ભરી દીધી હતી.”
અશોક પટેલ વ્યવસાયે વકીલ છે અને ‘રીપ્પન પટેલ એન્ડ ફ્રેન્ચ LLP’ નામની સોલિસિટર ફર્મમાં પાર્ટનર છે. તેમની પ્રોફાઇલ મુજબ તેઓ 40 વર્ષથી વધુનો વકીલાતનો અનુભવ ધરાવે છે.
LDRS એ કરેલી ‘ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન’ (FoI) અરજીના પગલે જાહેર થયેલી વિગતો મુજબ હેમરસ્મિથ અને ફુલહમ કાઉન્સિલમાં અશોક પટેલ એકમાત્ર એવા સભ્ય છે જેમને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ટેક્સ નહીં ભરવા બદલ કોર્ટનું સમન્સ મળ્યું હોય. કાઉન્સિલે સમન્સ જારી કરતા પહેલા તેમને કાયદેસરની રીમાઇન્ડર નોટિસ પણ મોકલી હતી.
આગામી મે મહિનામાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે લડશે કે નહીં, તે અંગે પાર્ટીએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.













