ફેલ્ધામ અને હેસ્ટનના સાંસદ સીમા મલ્હોત્રા

ફેલ્ધામ અને હેસ્ટનના સાંસદ સીમા મલ્હોત્રાએ યુવાનોને તેમના સ્થાનિક વાતાવરણમાં વધુ વ્યસ્ત રહેવા માટે ટેકો આપવા વધુ પ્રયત્નો કરવા જણાવ્યું છે.

ફેલ્ધામ અને હેસ્ટન યંગ પીપલ્સ વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓ માટેના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે “ઘણી વાર યુવાનોને આપણા સમુદાય, આપણી કળા, નિર્ણય લેવા બાબતે સમાવવામાં આવતા નથી. કોવિડ પ્રત્યેના આપણા પ્રતિભાવમાં બાળકો અને યુવાનોએ ઘણી બધી ભૂમિકા ભજવી છે. આપણે યુવાનો પાસેથી ઘણું શીખવાનું છે. સ્થાનિક વિસ્તારના બાળકોને તેમના માટે મહત્વપૂર્ણ એવા વાતાવરણની કોઈ વસ્તુનો ફોટો લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.”

ગયા મહિને વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને આસપાસના વિશ્વમાં પ્રકૃતિ વિશે યુવાનોને વધુ ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જેમાં ચાર વય કેટેગરીમાં વિવિધ પૃષ્ઠભૂમિના 130થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. વિજેતાઓને હંસલોના મેયર બિષ્ણુ ગુરુંગ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

જજીસ પેનલમાં બીબીસીના ભૂતપૂર્વ ટેલિવિઝન આર્ટ્સ નિર્માતા અને સ્થાનિક શાળાના ગવર્નર જોન્ટી ફુલફર્ડ, કેબિનેટ સભ્ય કાઉન્સિલર સમિયા ચૌધરી, હંસલોના કલાપ્રેમી ફોટોગ્રાફર કાર્લો ડી કેટરિનો અને સ્થાનિક પર્યાવરણ ચેમ્પિયન – શિક્ષક ડૉ. ઉમ્મે ખાનઝાદાનો સમાવેશ થાય છે.