વર્ષ 2002ની 28 ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકામાં નેશનલ હાઈવે પર ટોળાએ બ્રિટિશ નાગરિકોની હત્યા કર્યાના કથિત આરોપસર હિંમતનગર સિવિલ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન, પોલીસ અધિકારીઓ સહિત 14 જણા વિરૂધ્ધ 23 કરોડ રૂપિયાનો દાવો માંડવામાં આવ્યો હતો. આ કેસમાં પ્રાંતિજ સિવિલ કોર્ટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ દાવા અરજી અને કોર્ટના રેકોર્ડમાંથી દૂર કરવા હુકમ કરી દાવો ચલાવવા મંજૂરી આપવાનો હુકમ કર્યો હતો.
અઢાર વર્ષ અગાઉ પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે પર બ્રિટનથી આવેલા અને સુરતથી જયપુર જઈ રહેલ ઇમરાન દાઉદ તેના બે કાકા અબ્દુલ દાઉદ અને સૈયદ સફીક દાઉદ તથા તેમનો પડોશી મોહંમદ ઉપર 20-25 વ્યક્તિઓના ટોળાએ હુમલો કરતાં ડ્રાઇવર સહિતના લોકોનું મોત નીપજ્યું હતું. જેના અનુસંધાને ફરિયાદ નોંધાયા બાદ બ્રિટિશ નાગરિકોના વારસદારો દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન સહિત 14 જણા વિરુદ્ધ 23 કરોડ રપિયાનું વળતર મેળવવા વર્ષ 2017માં દાવા અરજી દાખલ કરાઈ હતી.