રમણિકભાઇ સોલંકી પોતે એક સંસ્થા હતા: વાય.પી.ત્રિવેદી

0
968

મારા પ્રિય મિત્ર રમણિકભાઇ સોલંકીના અવસાનના સમાચાર સાંભળીને હું વ્યથિત છું.

લંડનમાં તેમને હું એક કોમન મિત્ર થકી મળ્યો હતો અને તેમની સાથેની મારી મિત્રતા 40 વર્ષથી વધુ જૂની છે. હું મારી પત્ની સ્મિતા સાથે રજા પર હતો, ત્યારે મેં તેમને ફક્ત હાય કહેવા માટે ફોન કર્યો હતો. તેમનો આગ્રહ હતો કે મારે તેમના વેમ્બલી સ્થિત ઘરે જવુ અને તેમની સાથે રહેવુ. તેમણે અમને આવકારવા માત્ર તેમનુ ઘર જ ખોલ્યું ન હતું, પરંતુ પાર્વતીબેન અને તેના પ્રેમાળ બાળકો દ્વારા અમારું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારો સંબંધ ફક્ત તેમના અને મારા વચ્ચે જ નહીં, પરંતુ પાર્વતીબેન અને સ્મિતા વચ્ચે અને તે પછી અમારી આગામી પેઢી સાથે, આગામી ચાર દાયકાઓમાં પણ ખીલ્યો હતો. હું અને રમણિકભાઇ જેટલા નજીક હતા તેટલા જ મારા બે પુત્રો, ગૌતમ અને આનંદ, કલ્પેશ અને શૈલેષની નજીક છે.

રમણિકભાઈ સોલંકી દિર્ઘદ્રષ્ટિવાળા માણસ હતા. તેમણે ખૂબ જ મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે ભારતના એક નાના ટાઉનથી ઇંગ્લેન્ડમાં સ્થળાંતર કર્યું હતું અને પ્રચંડ સ્પર્ધાત્મક મીડિયા ઉદ્યોગમાં એક ઉંચી છાપ ઉભી કરી હતી. 50 વર્ષમાં, તેમણે ગુજરાતી અખબાર, ગરવી ગુજરાતથી શરૂઆત કરીને આજે બ્રિટનના સૌથી મોટા એશિયન પબ્લિશિંગ હાઉસ બન્યું ત્યાં સુધી પોતાના પ્રકાશન સામ્રાજ્યને બનાવ્યું હતુ. આમ કરીને તેમણે ગુજરાત અને ભારત બંનેને ગૌરવ અપાવ્યું છે!

તેઓ પોતે એક સંસ્થા હતા; તેઓ ભારતના કાંઠાની બહારનું મિનિ ગુજરાત હતા. ગુજરાતી ભાષા ઉપર તેમનો કાબુ અને ગુજરાતી કવિતાની કદર અનન્ય હતી. જે લોકોએ તેમના ઘરની મુલાકાત લીધી હતી અને તેમનુ અનન્ય આતિથ્ય પ્રાપ્ત કર્યું હતુ તેમની સંખ્યા એટલી મોટી છે કે તેની ગણતરી અશક્ય હશે. તેમના મહેમાનોમાં અગ્રણી લેખકો, કવિઓ, રાજદ્વારીઓ, રાજકારણીઓ, બોલિવૂડ સ્ટાર્સ તેમજ સંતોનો સમાવેશ થાય છે.

રમણિકભાઈ એક વર્કોહોલિક હતા અને આગામી સપ્તાહના પ્રકાશનની તૈયારી માટે વિકેન્ડમાં પણ અથાક મહેનત કરતા હતા. હું પાછલા 40 વર્ષથી ગરવી ગુજરાતનો ઉત્સાહપૂર્ણ વાચક છું કારણ કે તેઓ દર અઠવાડિયે અમને 46૦૦ માઇલ દૂર મુંબઇ મોકલતા હતા.

રમણિકભાઇએ જે પ્રાપ્ત કર્યું છે તે માટે, પાર્વતીબેન અને કલ્પેશ તથા શૈલેષને શાખ આપવી આવશ્યક છે. ગુજરાત, ભારત અને તેમના બધા મિત્રો તેમને હંમેશ માટે યાદ કરશે! ભગવાન તેમના વારસાને આગળ વધારવા માટે તેમના કુટુંબને શક્તિ અને હિંમત આપે.

  • વાય.પી.ત્રિવેદી