બ્રિટિશ નાણા પ્રધાન રાચેલ રીવ્સે બુધવાર, 26 નવેમ્બરે શ્રમિકો, પેન્શનરો અને રોકાણકારો પર ટેક્સ બોજમાં જંગી વધારો કરતું બજેટ રજૂ કર્યું હતું. ટેક્સમાં જંગી વધારો કરી નાણાપ્રધાને સરકારની ખાધમાં ઘટાડો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવાના વધુ સંસાધનો ઊભા કરવાની દરખાસ્ત કરી હતી.
રીવ્સે 2031 સુધી આવકવેરાની મર્યાદાને સ્થિર રાખવાની જાહેરાત કરી છે. આનાથી ઘણા કામદારોએ ફુગાવાની સાથે તેમની વેતન વૃદ્ધિ થાય ત્યારે વધુ ટેક્સ ભરવો પડશે, કારણ કે તેઓ હાયર ટેક્સ બ્રેકેટમાં આવશે. બજેટમાં ઓનલાઈન ગેમિંગ માટે ઊંચા ટેક્સ, લક્ઝરી પ્રોપર્ટી પર ટેક્સ, ઇલેક્ટ્રિક કાર પર માઈલેજ-આધારિત ચાર્જ અને પેન્શન લાભો પર મર્યાદા જેવી આકરી જાહેરાતો પણ કરી છે.
રીવ્સે અબજો પાઉન્ડના ખર્ચના પગલાંની પણ જાહેરાત કરી હતી, જેમાં સરકારી લાભ માટે બે બાળકોનાની મર્યાદા દૂર કરવાનો તથા લઘુત્તમ વેતન અને પેન્શનમાં ફુગાવા કરતાં વધુ વધારો કરવાનો સમાવેશ થાય છે. રેલ ભાડા અને પ્રિસ્ક્રિપ્શન ચાર્જીસને સ્થિર રખાયા છે. આની સાથે ઊર્જા બિલમાં પણ ઘટાડો કરાયો છે.
રીવ્સે સંસદમાં બજેટ ભાષણ શરૂ કર્યું તે પહેલાં ભૂલથી પ્રકાશિત થઈ ગયેલા અંદાજમાં ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)એ જણાવ્યું હતું કે ટેક્સમાં વાર્ષિક વધારો 26.1 બિલિયન પાઉન્ડ ($34.5 બિલિયન) જેટલો ઊંચો રહેશે. તેનાથી બ્રિટનનો ટેક્સ-ટુ-જીડીપી રેશિયો આર્થિક ઉત્પાદનના 38.3% સુધી પહોંચી જશે, જે યુદ્ધ પછીની નવી ઊંચી સપાટી છે. જોકે આ રેશિયો હજુ પણ ગયા વર્ષના યુરો ઝોનના સરેરાશ 41% કરતા ઓછો રહેશે.
ગયા વર્ષે રીવ્સે કરદાતા પર 40 અબજ પાઉન્ડના ટેક્સ બોજ લાદ્યો હતો અને તે સમયે વચન આપ્યું હતું કે આ બોજ માત્ર એક વખતનો હશે. રીવ્સે જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે અમારે ફરીથી વિરોધનો સામનો કરવો પડશે, પરંતુ મને હજુ સુધી કામદાર વર્ગના લોકો માટે વિશ્વસનીય અથવા ન્યાયી વૈકલ્પિક યોજના દેખાઈ નથી.
ગરીબ પરિવારો માટે વેલ્ફેર સહાયની ચુકવણી માટે બે બાળકોની મર્યાદાને દૂર કરવાનો ઓપિનિયમ પોલ્સમાં બ્રિટનના મોટાભાગના લોકોએ સખત વિરોધ કર્યો હતો. પરંતુ રીવ્સની આ જાહેરાતને લેબર પાર્ટીના સાંસદોએ વધાવી લીધી હતી. આગામી રાષ્ટ્રીય ચૂંટણી 2029 સુધીમાં થવાની નથી, રીવ્સ અને સ્ટાર્મરની સત્તા પર તેમના મધ્ય-ડાબેરી વિચારધારા ધરાવતા પક્ષમાં સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં.
OBRએ આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હતો. હવે આગામી પાંચ વર્ષમાં આર્થિક વૃદ્ધિ સરેરાશ 1.5 ટકા રહેવાનો અંદાજ મૂકાયો છે, જે માર્ચમાં તેની અપેક્ષા કરતા 0.3 ટકા ઓછી છે. નીચી ઉત્પાદકતાને કારણે આર્થિક વૃદ્ધિના અંદાજમાં કાપ મૂકાયો છે.
જોકે રીવ્સે આર્થિક વૃદ્ધિના આ અંદાજને ખોટો સાબિત કરવાનું વચન આપતા જણાવ્યું હતું કે અમે આ વર્ષે પણ અંદાજ કરતાં વધુ વૃદ્ધિ હાંસલ કરી હતી અને અમે ફરીથી અંદાજને ખોટા પાડીશું.
ડેલોઇટના મુખ્ય અર્થશાસ્ત્રી ઇયાન સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે રીવ્સની જાહેરાતોથી આર્થિક વૃદ્ધિ પર લાંબા ગાળાની અસર જોવા મળી શકે છે, કારણ કે નાણાપ્રધાન દર વર્ષે ટેક્સ મારફત વધારાના 26 બિલિયન પાઉન્ડ એકઠા કરી રહ્યાં છે.
OBRએ જણાવ્યું હતું કે આવકવેરા મર્યાદાને વધુ ત્રણ વર્ષ સ્થિર રાખવાથી સરકારને 2029/30 નાણાકીય વર્ષમાં વધારાના 8.0 બિલિયન પાઉન્ડની ટેક્સ આવક થશે. આ મર્યાદાને સ્થિર રાખવામાં આવી હોવાથી ફુગાવાની સાથે વેતન વધારો થાય ત્યારે તમારે ટેક્સ બોજમાં પણ વધારો થશે.
OBRએ જણાવ્યું હતું કે ડિવિડન્ડ, મિલકત અને બચત આવક પરના ટેક્સ રેટમાં વધારાથી સરકારને વધારાની 2.1 અબજ પાઉન્ડની આવક થશે, જ્યારે 2 મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના ઘરો પરના “મેન્શન ટેક્સ”થી 2029/30માં 0.4 અબજ પાઉન્ડની સરકારને આવક થશે.
રીવ્સે ઇંધણ ડ્યુટીના દર સ્થિર રાખ્યાં છે, પરંતુ તેમણે ઇલેક્ટ્રિક કાર પર માઇલેજ-આધારિત નવો ચાર્જ રજૂ કર્યો હતો.
બ્રિટનના રાજકોષીય સ્થિતિ પર દેખરેખ રાખતી સંસ્થાએ આગામી વર્ષો માટે આર્થિક વૃદ્ધિની અંદાજમાં કાપ મૂક્યો હતો, જે આર્થિક મોરચે સંઘર્ષ કરી રહેલા વડાપ્રધાન કે સ્ટાર્મર માટે આંચકો સમાન છે. અહીં ઉલ્લેખનીય છે કે સ્ટાર્મરે ગયા વર્ષે મતદારોને વચન આપ્યું હતું કે તેઓ આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવશે.














