H-1B
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં અમેરિકાની H-1B વિઝા સિસ્ટમમાં મોટાપાયે ફ્રોડનો આક્ષેપ કરી અમેરિકાના ભૂતપૂર્વ પ્રતિનિધિ અને અર્થશાસ્ત્રી ડૉ. ડેવ બ્રેટે દાવો કર્યો હતો કે સમગ્ર ભારત માટે આ વર્ક વિઝાની વાર્ષિક મર્યાદા 85,000ની છે, જ્યારે એકલા ચેન્નાઇને 2.20 લાખ એચ-વનબી વિઝા મળ્યાં હતાં, જે અમેરિકી સંસદે નિર્ધારિત કરેલી મર્યાદા કરતાં 2.5 ગણા વધુ છે. આમ આ એક મોટું કૌભાંડ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝાના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે બ્રેટે આ ચોંકાવનારો દાવો કર્યો હતો.

સ્ટીવ બેનનના વોર રૂમ પોડકાસ્ટ પર બોલતા બ્રેટએ જણાવ્યું હતું કે H-1B સિસ્ટમ પર ઔદ્યોગિક સ્તરના ફ્રોડે કબજો કર્યો છે. ભારતમાં વિઝા ફાળવણી એવા સ્તરે પહોંચી ગઈ છે, જે કાયદાકીય મર્યાદાઓને પણ ઓળંગે છે. ભારતને આશરે 71 ટકા H-1B વિઝા મળે છે અને ચીનને માત્ર 12 ટકા મળે છે. આ દર્શાવે છે કે દાળમાં કંઇક કાળું છે. ફક્ત 85,000 H-1B વિઝાની મર્યાદા છે, છતાં કોઈક રીતે ભારતના એક જિલ્લા મદ્રાસ (ચેન્નાઈ)ને 220,000 વિઝા મળ્યાં, જે સંસદે નિર્ધારિત કરેલી મર્યાદાથી 2.5 ગણા છે. આ એક કૌભાંડ છે.

આ ફ્રોડને અમેરિકન શ્રમિકો માટે સીધો ખતરો ગણાવતા તેમણે જણાવ્યું હતું કે કોઇ એક દેશનો સમુદાય આવીને પોતે કુશળ હોવાનો બીજા કુશળ ન હોવાનો દાવો કરે છે, ત્યારે તે છેતરપિંડી છે. તેઓ તમારા પરિવારની નોકરી, તમારું ઘર બધું જ છીનવી રહ્યાં છે.

અહેવાલો અનુસાર, ચેન્નાઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટે 2024માં આશરે 220,000 H-1B વિઝા અને વધારાના 140,000 H-4 આશ્રિત વિઝા પ્રોસેસ કર્યા હતાં. કોન્સ્યુલેટ ચાર મુખ્ય પ્રદેશોની વિઝા અરજીઓને પ્રોસેસ કરે છે, તેમાં તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આમ આ કોન્સ્યુલેટનો અમેરિકાના સૌથી વ્યસ્ત H-1B પ્રોસેસિંગ સેન્ટરોમાં સમાવેશ થાય છે.

અગાઉ બે દાયકા પહેલા ચેન્નાઈ કોન્સ્યુલેટમાં ફરજ બજાવતા ભારતીય મૂળના યુએસ ફોરેન સર્વિસ ઓફિસર મહવશ સિદ્દીકીએ H-1B સિસ્ટમમાં બનાવટી દસ્તાવેજો, બનાવટી લાયકાત અને પ્રોક્સી અરજદારોની ભરમાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

LEAVE A REPLY