ચાન્સેલર ઋષિ સુનક (Photo by Dan KitwoodGetty Images)

ગોલ્ડમેન શેકના ભૂતપૂર્વ વિશ્લેષક અને માત્ર 39 વર્ષના નવા ચાન્સેલર ઋષિ સુનકે કોરોનાવાયરસને કારણે મંદીના જોખમનો સામનો કરવો ન પડે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થાને કોઇ અસર ન થાય તે માટે 30 બિલીયન પાઉન્ડ ફાળવી આગોતરૂ પગલુ ભર્યુ છે. સરકારે બેન્કના વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી દેશનુ અર્થતંત્ર સલામત રહે તેની પણ તકેદારી રાખી છે. નવા ચાન્સેલર ઋષિ સુનકે પાંચ વર્ષના રોકાણના ભાગ રૂપે ઉંચા ખર્ચની જાહેરાત કરી છે.

ઋષી સુનકે વાર્ષિક બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસના કારણે યુકેમાં કામ કરતા લોકો પૈકી પાંચમા ભાગના લોકો બીમારીને કારણે કામ પર ન આવી શકે અને વિશ્વભરમાં બિઝનેસની સપ્લાય ચેઇન ખોરવાઈ શકે તેવા અંદેશાને લક્ષમાં રાખીને સરકાર પગલા ભરી રહી છે. હું અર્થતંત્રને ટેકો આપવા માટે જે કંઈ  કરવુ પડશે તે બધુ જ કરીશ.”

નાની કંપનીઓ માટે બિઝનેસ રેટ્સમાં રાહત, રોકડ પ્રવાહની તંગીને સરળ બનાવવા ઉપરાંત સીક પે સહિતના વિશાળ પગલા રજૂ કરી સરકાર દેશના બિઝનેસને કોઇ અસર થવા દેવા માંગતી નથી એમ પૂરવાર કર્યુ છે. બિઝનેસમેન અને સેલ્ફ એમ્પલોઇડ લોકોને કર ચૂકવણી સ્થગિત કરવાની સવલત અને સીક પેના નિયમોમાં રાહત આપવામાં આવી છે. બિઝનેસીસ અને લોકોને મદદ કરવા 7 બિલીયન પાઉન્ડ અને આરોગ્ય સેવા અને વાયરસના ફેલાવા સામે લડવા માટે 5 બીલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા છે અને બીજે 18 બીલિયન પાઉન્ડ અન્ય ક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે.

વડાપ્રધાન જ્હોન્સનનો ઇરાદો તેમના પહેલા બજેટમાં દેશના ગરીબ વિસ્તારો તરફના સીધુ રોકાણ કરવાની છે જ્યાંના મતદારોએ તેમને ડિસેમ્બરમાં ચૂંટણીમાં મોટી જીત અપાવવામાં મદદ કરી હતી. તેમણે સુનકને નોર્થ ઇંગ્લેન્ડના તે વિસ્તારો માટે ફંડ આપવા આદેશ આપ્યો છે. આથી આગામી પાંચ વર્ષમાં 600 બિલીયન પાઉન્ડથી વધુનું જાહેર રોકાણ કરવામાં આવનાર છે જે 1955 પછી જોવા મળ્યું નથી.

નાણાકીય વાર્ષિક મંદીને ધ્યાનમાં લેવામાં આવે તો 2021/22માં નાણાકીય વર્ષમાં ખાધ જીડીપીના લગભગ 3% સુધી પહોંચશે જે પહેલા 1.6 ટકા અંદાજવામાં આવી હતી.  તેમણે સસ્તી ક્રેડિટ માટે નવો પ્રોગ્રામ રજૂ કર્યો છે અને બેન્કોને મદદ કરવા માટે કેપિટલ બફરમાં પણ ઘટાડો કર્યો છે. સતત નવમા વર્ષે ફ્યુઅલ ડ્યુટી સ્થિર કરવામાં આવી છે. તો કેટલાક ધંધા માટે આપવામાં આવતી ડીઝલ સબસિડી સમાપ્ત કરી છે. મલ્ટિ-મિલિયન પાઉન્ડનો કારોબાર ધરાવતા ઉદ્યોગપતિઓને કેપિટલ ગેઇન ટેક્સની છૂટ આપવામાં આવી છે.

ઇંગ્લેન્ડની હજારો રિટેલ, લેઝર અને હોસ્પિટાલિટી કંપનીઓએ આવતા વર્ષે કોઈ પણ બિઝનેસ રેટ ચૂકવવો પડશે નહિ તેવી ચાન્સેલરે જાહેરાત કરી છે. £51,000 કરતા ઓછી રેટેબલ વેલ્યુ ધરાવતી કંપનીઓએ કર ભરવો પડશે નહિ. આ પગલું દુકાનો, સિનેમાઘરો, રેસ્ટોરાં અને હોટલ સહિતની કંપનીઓને લાગુ પડે છે.

પીનસેન્ટ મેસન્સના રિટેલ અને ઉપભોક્તાના વડા, ટોમ લેમને જણાવ્યું હતું કે આ જાહેરાતથી નાના ઉદ્યોગો માટે “અત્યંત સ્વાગત સમાચાર” હશે. જો કે, કેટલાક નાના ઉદ્યોગોએ કહ્યું હતુ કે આ પગલું તેમને મદદ કરશે નહીં. અપેક્ષા મુજબ સુનકે કોર્પોરેશન ટેક્સમાં આયોજિત કટ કાઢી નાંખી ટેક્સનો દર 19% રાખ્યો છે.

સ્ટેમ્પ ડ્યુટીમાં કોઇ ફેરફાર નહિ અને લટકામાં વ્યાજના દર ઘટ્યા

બાય ટુ લેટ પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કરતા ભારતીયો સહિત સૌ માટે ખુશખબર એ છે કે પ્રોપર્ટી પરની સ્ટેમ્પ ડ્યુટીના દરમાં કોઇ ફેરફાર કરાયો નથી. જ્યારે પ્રોપર્ટી ખરીદનાર વિદેશી લોકોએ ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ખરીદવામાં આવેલા ઘરો પર 1 એપ્રિલ, 2021થી વધારાના 2 ટકાની સ્ટેમ્પ ડ્યુટી અને 3 ટકા વધારાનો સરચાર્જ ભરવો પડશે. જ્યારે બાકીના લોકો માટે સ્ટેમ્પ ડ્યુટીના દરને યથાવત રખાયા છે. વ્યાજના દર ઘટતા ટ્રેકર રેટ ધરાવતા અને જેમનુ મોરગેજ રીન્યુ થઇ રહ્યુ છે તેમને ફાયદો થશે.

વડા પ્રધાન બોરીસ જ્હોન્સનના 2019ના કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી ઢંઢેરા મુજબની આ વધારાની ડ્યુટીની આવકમાંથી 6,000 લોકોને રહેવા માટે નવી જગ્યાઓ ખરીદી શકાશે.

ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં £125,000થી નીચેનુ મકાન ખરીદનારે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી નથી. £125,001 થી £250,000 નુ મકાન ખરીદનારે 2 ટકા અને £250,001થી £925,000 વચ્ચેનુ મકાન ખરીદનારે 5 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. £925,001 થી £1.5 મિલીયન પાઉન્ડના મકાન પર 10 ટકા અને તેથી વધુ રકમના મકાન પર 12 ટકા ડ્યુટી છે.

જ્યારે પ્રથમ વખતના ખરીદનારને £300,000 સુધીનુ ઘર ખરીદવા પર માફી અપાઇ છે અને £300,001થી £500,000 સુધીના ઘર પર પાંચ ટકાની ડ્યુટી છે. જો તમે બીજી મિલકત ખરીદતા હો તો હાલની ડ્યુટી પર વધારાના 3 ટકા ડ્યુટી ભરવી પડે છે.