રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે.ગુજરાતમાં શનિવાર સુધીના છેલ્લાં દસ દિવસમાં સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જોકે ચોમાસાની સિઝનમાં વરસાદની હજુ 32 ટકા ઘટે છે. ગુજરાતમાં રવિવાર સુધીમાં સરેરાશ 19.74 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 59.71 ટકા વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં હજુ 4 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.પહેલી સપ્ટેમ્બરે ગુજરાતમાં 11 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ માત્ર 35 ટકા વરસાદ નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 11 દિવસમાં 5.47 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ધરોઈ ડેમની જળ સપાટીમાં 2 ફૂટનો વધારો

ઉપરવાસમાં સારા વરસાદને કારણે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઇ ડેમમાં બે દિવસમાં જળસપાટીમાં 2 ફૂટનો વધારો થયો હતો અને ડેમની જળ સપાટી 600 ફૂટને પાર કરી ચુકી છે. જોકે, ડેમ હજુ પણ 64 ટકા ખાલી છે. ધરોઈ જળાશય યોજના ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સિંચાઇના સિંચાઈના પાણીની જરૂરિયાત પૂરી કરે છે. ઉપરવાસમાં સરેરાસ 4 થી 11 ઇંચ જેટલો વરસાદ વરસતા 10,700 ક્યુસેક વરસાદી પાણીની આવક થતા ડેમમાં 30.89 એમસીએમ(મિલિયન ક્યુબીક મિટર)જેટલા નવા નિરનો જથ્થો નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લામાં સિઝનનો 62 ટકા વરસાદ

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો છે. જેમાં દહેગામમાં 40.70 ટકા, ગાંધીનગર 39.44 ટકા, કલોલ 66.89 ટકા અને માણસામાં 57.30 ટકા વરસાદ પડતાં સીઝનનો કુલ 51.99 ટકા વરસાદ જિલ્લામાં પડ્યો છે. જેમાં સૌથી વધુ કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 66.89 ટકા વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

મધ્ય ગુજરાતમાં સરેરાશ 4 ઇંચ વરસાદઃ એકનું મોત

શનિવારે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં ૬૧.૨૧ ટકા નોંધાયો હતો. તેમાં પણ છોટાઉદેપુર તાલુકામાં તો ૯૫.૬૬ ટકા વરસાદ થયો હતો. ગોધરા ૫૫ મીમી અને શહેરા ૫૦ મીમી નોંધાયો હતો. જ્યારે ઘોઘંબા ૭ મીમી, કાલોલ ૨૨મીમી, જાંબુઘોડા ૪૨ મીમી, હાલોલ ૩૯ મીમી, મોરવા હડફ ૨૫ મીમી વરસાદ બપોર સુધીમાં નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલિયા પાસે આવેલા બારીયા ફળી ગામે રહેતા ૭૦ વર્ષીય પારસિંગ ભાઈનું ઘર તૂટી પડ્યુ હતુ. જેમાં પારસિંગ ભાઈ નું મકાન ના કાટ માળ નીચે દબાઈ જવાથી મોત થયું હતું.

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે

દક્ષિણ ગુજરાતમાં બુધવારથી સતત 4 દિવસ ચોમાસું જામ્યું હતું. સુરત શહેરમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને વિયરકમ કોઝ-વેની સપાટી 6 મીટરને પાર કરી ગઈ છે. કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી જેથી ચાર દિવસમાં 6 ફૂટ સપાટી વધી હતી. જ્યારે 345 ફૂટની ઉકાઈ ડેમની સપાટીથી માત્ર 5 ફૂટ જ દૂર હતી. ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટને પાર પહોંચી હતી. ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યુસેક નોંધાઈ છે. એક વર્ષ સુધી ખેતી અને પીવા માટેના પાણીની વ્યવસ્થા કરી શકાય તેટલું પાણી હાલ ઉકાઈ ડેમની અંદર સંગ્રહિત થઈ ગયું છે.