Birmingham commonwealth games
કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ્સની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. લવલી ચૌબે, પિન્કી સિંહ, નયનતારી સાઇકિયા અને રૂપા રાણી (ANI Photo)

બર્મિંગહામમાં ગયા સપ્તાહથી શરૂ થયેલી કોમનવેસ્થ ગેમ્સમાં મંગળવારે પાંચમા દિવસે આ અહેવાલ તૈયાર કરાયો ત્યાં સુધીમાં ભારતે પાંચ ગોલ્ડ મેડલ સહિત કુલ 11 મેડલ્સ હાંસલ કર્યા હતા અને તેમાંથી શરૂઆતના પાંચ મેડલ તો વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા હતા, જેમાં સિનિયર એથલેટ મીરાબાઈ ચાનુએ પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો ઉભરતા યુવાન, પશ્ચિમ બંગાળના અચિંતા શેઉલીએ રવિવારે ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય રમતોમાં મહિલાઓની લોન બોલ્સમાં તથા પુરૂષોની ટેબલ ટેનિસમાં ભારતે ગોલ્ડ મેડલ મંગળવારે મેળવ્યા હતા.

બેડમિંટનમાં ભારતની મિક્સ ટીમે પાકિસ્તાનને પહેલા મુકાબલામાં 5-0થી સજ્જડ પરાજય આપ્યો હતો અને આ ઈવેન્ટમાં પોતાનો પ્રથમ ક્રમ – ગોલ્ડ મેડલ જાળવી રાખવાની ક્ષમતા દર્શાવી હતી.

મહિલા હોકીમાં ભારતે ઘાના સામે 5-0 થી વિજય સાથે શાનદાર આરંભ કર્યો હતો.

બર્મિંગહામ ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતીય મિક્સ બેડમિંટન ટીમે પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો. ભારત વતી બી. સુમિથ રેડ્ડી અને એમ. પોનપ્પાની જોડીએ પ્રભાવશાળી શરૃઆત કરતા ૨૧-૯, ૨૧-૧૨થી ઈરફાન સઈદ ભટ્ટી અને ગઝાલા સિદ્દિકીની જોડીને હરાવી હતી. કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં મુરાદ અલીને ૨૧-૭, ૨૧-૧૨થી હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી. વી. સિંધુએ ૨૧-૭, ૨૧-૬થી માહૂર શહઝાદને હરાવી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ચિરાગ-સાત્વિકે મુરાદ-ઈરફાન સઈદ ભટ્ટીને  અને ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદએ માહૂર શહઝાદ-ગઝાલા સિદ્દીકીને સીધી ગેમ્સમાં હરાવી હતી.