(Photo by Peter Summers/Getty Images)

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) તરફથી તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, હાલમાં ઇંગ્લેન્ડમાં, 75માંથી એક વ્યક્તિ કોવિડ રોગથી પીડાય છે અને ગયા અઠવાડિયે 17 જુલાઇ સુધીમાં ઇંગ્લેન્ડમાં કોવિડના ચેપથી અસર પામેલા લોકોની કુલ સંખ્યા લગભગ 750,000 લોકોની હતી.

ઓએનએસએ શુક્રવાર તા. 23ના રોજ જણાવ્યું હતું કે ‘’તાજેતરના આંકડા દર્શાવે છે કે માન્ચેસ્ટર હજી પણ દેશની કોવિડ રાજધાની છે અને માન્ચેસ્ટરના દર 27 લોકોમાંથી એક વ્યક્તિ આ રોગનો ચેપ ધરાવે છે.

પહેલાના તરંગોથી વિપરીત, આ વખતે મોટા પ્રમાણમાં નાની વયના લોકો દ્વારા ચેપ ફેલાઇ રહ્યો છે. ઓએનએસ રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે સેકન્ડરી સ્કુલની વયના બાળકોથી લઇને 24 વર્ષથી ઓછી વયના પુખ્ત વયના લોકોમાં કોવિડના ચેપનો દર 70 વર્ષથી વધુ વયના લોકોની સરખામણીએ 12 ગણો વધારે હતો. 50 વર્ષ કરતા વધુ વયના લોકોની સરખામણીએ યુવાનોમાં ચેપનો દર છ ગણો વધુ હતો.

નોર્થ વેસ્ટ અને નાર્થ ઇસ્ટમાં, ભારતીય ‘ડેલ્ટા’ વેરિયન્ટની ખૂબ અસર થઇ છે. 21 જુલાઇના રોજ બે મહિનામાં પ્રથમ વખત બ્રિટનમાં દૈનિક ચેપની સંખ્યામાં ઘટાડો થયો હતો અને 39,906 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે ગયા ગુરૂવાર કરતા 17.8 ટકા ઓછા હતા. જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ઘટાડો કેસમાં થનારા સંભવિત વધારા પહેલાનો હોઇ શકે છે. તા. 19 જુલાઇના આઝાદી દિવસની અસર હજી ડેટામાં અનુભવાઈ નથી.

દરમિયાન, બ્રિટિશ મેડિકલ એસોસિએશને સરકારને કોવિડ વ્યૂહરચના પર “તાત્કાલિક પુનર્વિચાર” કરવાની હાકલ કરી દલીલ કરી હતી કે “બોરિસ જોન્સન પ્રતિબંધો હટાવવામાં ખૂબ આગળ વધી ગયા છે”.

બીએમએ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે ‘’સરકારની હાલની જાહેર ચેપ નિયંત્રણની વ્યૂહરચના કામ કરતી નથી. ચેપમાં થનારો વધારો વાયરસને મંજૂરી આપતા સરકારના અસરકારક પગલાઓના અભાવનું સીધું પરિણામ છે જે દેશભરમાં ફેલાય છે. અમે વારંવાર ચેતવણી આપી છે કે વિશ્વમાં ઉચ્ચતમ સ્તરના ચેપ વચ્ચે, હવે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા કાનૂની નિયંત્રણોનો ત્યાગ કરવાનો આ યોગ્ય સમય નથી અને તેને પરિણામે સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે.”