મુંબઈમાં 26/11ના વિખ્યાત આતંકવાદી હુમલાની 14મી વર્ષગાંઠ પ્રસંગે યુકેમાં મ્યુઝિકલ, પુષ્પાંજલિ અને આતંકવાદ વિરોધી પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.  તે વખતે 12 સ્ખળે સંકલિત હુમલો કરી 166 લોકોના જીવ લેવાયા હતા.

લંડનમાં ભારતના હાઈ કમિશન દ્વારા શનિવારે એક વિશેષ અંજલિનું આયોજન કરાયું હતું. જેમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા હુમલાનું ફોટોગ્રાફી પ્રદર્શન અને સ્નેપશોટ રજૂ કરી પીડિતોને શ્રદ્ધાંજલિ પાઇ હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ દર્શાવતી ફિલ્મ, શહેરની પ્રતિષ્ઠિત તાજ પેલેસ હોટેલ સહિત હુમલામાં ભોગ બનનાર મુંબઈગરા અને વિદેશી પ્રવાસીઓના મત રજૂ કરાયા હતા. સંગીતકાર સુનીતા ભૂયણ દ્વારા વાયોલિન વાદન રજૂ કર્યું હતું.

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, “લોકોની આશાઓ અને આકાંક્ષાઓને તેમની સાથે ટૂંકાવી દેવામાં આવી હતી. અમે પોલીસ કર્મચારીઓ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના સભ્યોને સલામ કરીએ છીએ જેમણે તેમની ફરજો નિભાવતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.”

આ સ્મૃતિ સમારોહની થીમ “નેવર ફરગેટ, નેવર ફરગીવ એન્ડ નેવર અગેઇન’ હતી અને તેમાં બ્રિટનના સંસદના સભ્યો તરફથી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા.

ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ અને યુકેના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે “એક મજબૂત સંદેશ આપવો જોઈએ કે આતંકવાદ ક્યારેય જીતશે નહીં. આપણે હંમેશા આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓના ગુનેગારોનો સામનો કરીશું. તે એક બાબત જ આપણને બધાને એક કરે છે. આપણે બધાએ આતંકવાદને હરાવવા માટે સાથે મળીને આગળ વધવું જોઈએ.’’

લેબર સાંસદ અને શેડો ફોરેન મિનિસ્ટર કેથરિન વેસ્ટે કહ્યું હતું કે “આપણે બધાએ આતંકવાદને હરાવવા માટે સાથે મળીને આગળ વધવું જોઈએ. આજે, સાથે મળીને કહીએ છીએ કે ફરી ક્યારેય નહીં,”

લેબર સાંસદ વીરેન્દ્ર શર્માએ ઉમેર્યું હતું કે, “અમે હજી પણ તે હુમલાથી પીડા અનુભવી શકીએ છીએ.” આ પ્રસંગે સરોદ ઉસ્તાદ ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના પુત્ર અયાન સહિત ભારતીય ડાયસ્પોરાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લંડનના ઈન્ડિયા હાઉસની બહાર પીડિતોની યાદમાં બનાવવામાં આવેલ મીણબત્તીથી પ્રકાશિત મંદિર પર પુષ્પાંજલિ અર્પી હતી.

લંડનમાં સેન્ટ જેમ્સ કોર્ટ ખાતેની તાજ હોટેલે પણ 14 વર્ષ પહેલા હુમલામાં જીવ ગુમાવનારા સ્ટાફ સભ્યો અને મહેમાનોની યાદમાં પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી.

તે અગાઉ શનિવારે, ધ રેસ, એથનિસિટી એન્ડ કલ્ચરલ હેરિટેજ (રીચ) ઈન્ડિયા યુકે ચેપ્ટરના આગેવાની હેઠળ ભારતીય ડાયસ્પોરા જૂથો સરહદ પારના આતંકવાદ અને હુમલા સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સામે તેમનો વિરોધ નોંધાવવા માટે લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એકઠા થઇ સુત્રોચ્ચારો કર્યા હતા અને “આતંકવાદ રોકો” અને “યુનાઈટેડ અગેઈન્સ્ટ ટેરર” લખેલા પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.

LEAVE A REPLY

20 − 9 =