મહારાષ્ટ્રના યવતમાળથી પૂણે જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 26 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના શુક્રવારે રાતના બે કલાકે બુલઢાણા પાસે ઘટી હતી.
આ બસ થાંભલા સાથે અથડાઈને ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ અને તેમાં આગ લાગી હતી. આ બસમાં 33 લોકો મુસાફરી કરતા હતા, જેમાંથી 26 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોકે બસની બારીના કાચ તોડીને સાત લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. અન્ય ઇજાગ્રસ્તોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેવું ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ જણાવ્યું હતું. ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો અને પછી બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જે બસમાં પ્રસરી હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકોનાં પણ મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો.
વડા પ્રધાન મોદીએ આ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂ. બે લાખ આપવાની ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુલઢાણા બસ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ. પાંચ-પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

9 + 15 =