ભારતને કોવિડ-19 સામેની લડતમાં મદદ કરવા માટે ગ્લોબલ ટાસ્ક ફોર્સ ઓન પેન્ડેમિક રીસ્પોન્સની સ્ટીઅરીંગ કમિટી બનાવવામાં આવી છે. જેમાં ત્રણ ઇન્ડિયન અમેરિકન સીઇઓ- ગૂગલના સુંદર પિચાઇ, ડેલોઇટના પુનિત રંજન અને એડોબના શાંતનું નારાયણનો સમાવેશ થાય છે. આ ત્રણેયના નામ સ્ટીઅરીંગ કમિટીની યાદીમાં ગુરુવારે ઉમેરવામાં આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19ના સંકટમાં મદદ કરવા માટે અમેરિકન કંપનીઓ તરફથી આયોજિત પ્રતિસાદ આપવામાં આ ત્રણેય સીઇઓ સક્રિય છે.
ગુરુવારે યાદીમાં જે અન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં, માર્ક સુઝમન-સીઇઓ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, જોશુઆ બોલ્ટન-પ્રેસિડેન્ટ અને સીઇઓ, બિઝનેસ રાઉન્ડટેબલ અન સુઝેન ક્લાર્ક-પ્રેસિડેન્ટ અને સીઇઓ યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો સમાવેશ થાય છે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક જાહેર-ખાનગી ભાગીદારીમાં આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેને બિઝનેસ રાઉન્ડટેબલ દ્વારા સમર્થન મળ્યું છે. જે યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ સાથે મળીને કાર્યરત છે. આ ટાસ્ક ફોર્સ ભારતમાં કોરોનાના વધતા કેસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને નિવારવા તાત્કાલિક પગલા લઇ રહેલ છે.
અમેરિકાના કોર્પોરેટ સેક્ટરે ભારતને 25 હજાર કરતા વધુ ઓક્સીજન કોન્સેન્ટ્રેટર્સ આપવા કટિબદ્ધતા દર્શાવી છે. પ્રથમ એક હજાર ઓક્સીજન કોન્સેન્ટ્રેટર્સ ડેલોઇટ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે, જે ફેડેક્સની મદદથી 25 એપ્રિલે ભારતમાં પહોંચી ગયા હતા.
ટાસ્ક ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કોન્સેન્ટ્રેટર્સને નક્કી કરેલા હેલ્થ સેન્ટર્સ પર પહોંચડાશે, જ્યાં તેનો ઝડપથી ઉપયોગ થઇ શકશે. જ્યારે વેન્ટિલેટર્સનો પ્રથમ જથ્થો આ અઠવાડિયામાં ભારતમાં પહોંચી જશે. અને એવી પણ આશા છે કે તમામ એક હજાર વેન્ટિલેટર્સ 3 જુન સુધીમાં ભારતમાં પહોંચી જશે. આ કાર્ય માટે મેડટ્રોનિક સંપૂર્ણ મદદ કરશે. ટાસ્કફોર્સના વેન્ટિલેટર્સના કામમાં 16 જેટલા બિઝનેસીઝ જોડાયા છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ માટે આ તમામ બિઝનેસીઝ સાથે મળીને 30 મિલિયન ડોલરથી વધુ મદદ કરશે. ટાક્સ ફોર્સના જણાવ્યા મુજબ દેશમાં દરરોજ ચાર લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે, જ્યારે કેસનો સાચો દર તેનાથી વધુ હોવાનો અંદાજ છે.
આ ટાસ્ક ફોર્સની સ્ટીઅરીંગ કમિટીમાં એસેન્ચર, એમેઝોન, એપ્પલ, બેંક ઓફ અમેરિકા, ફેડેક્સ, આઇબીએમ, અમેરિકન રેડક્રોસ, ડીએચએલ એક્સપ્રેસ, ડાઉ, જોન્સન એન્ડ જોન્સન, માસ્ટર કાર્ડ, માઇક્રોસોફ્ટ, પેપ્સિકો, યુપીએસ, વોલમાર્ટ જેવી મુખ્ય કંપનીઓ સીઇઓ સંકળાયેલા છે.
અત્યાર સુધીમાં 45થી વધુ બિઝનેસીઝ અને એસોસિએશન્સે ગ્લોબલ ટાસ્ક ફોર્સની પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું છે. જ્યારે ટાસ્ક ફોર્સ દ્વારા ભારતની જરૂરીયાત પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસ કરી રહેલ છે.