ભારતીય સંસદમાં ઓપરેશન સિંદૂર પર 16 કલાકની લાંબી ચર્ચાનો પ્રારંભ થયો હતો ત્યારે સુરક્ષા દળોએ સોમવાર, 28 જુલાઈએ શ્રીનગર નજીક એક એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરીને મોટી જીત મેળવી હતી. આમાંથી બે આતંકવાદીઓ પહેલગામ હુમલામાં સામેલ હતાં. પહેલગામમાં હુમલામાં નિર્દોષ 26 લોકોના મોત પછી ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.
પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સુલેમાન શાહને 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવ્યો હતો. સુરક્ષા સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે આજે સવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં તે પણ હતો. ઓપરેશન મહાદેવ નામના ઓપરેશનમાં બે અન્ય આતંકવાદીઓ અબુ હમઝા અને યાસીરને ઠાર મારવામાં આવ્યા હતાં. યાસીર પણ પહેલગામના હત્યારાઓમાં હોવાનું માનવામાં આવે છે. સંયુક્ત ઓપરેશનમાં આર્મી, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સુરક્ષા દળોએ ભાગ લીધો હતો.
સુલેમાન પાકિસ્તાની આર્મીમાં સેવા આપતો હતો અને તેને હાશિમ મૂસા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે સુલેમાન વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સત્તાવાર X એકાઉન્ટમાં અગાઉ એક પોસ્ટમાં જણાવાયું હતું કે સુરક્ષા દળોએ લિડવાસમાં ઓપરેશન મહાદેવ શરૂ કર્યું છે. ભારે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓપરેશન ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન કાર્બાઇન અને AK-47 રાઇફલ્સ, 17 રાઇફલ ગ્રેનેડ અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોને શંકા છે કે આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટી કાર્યવાહીની યોજના બનાવી રહ્યા હતા.
