27 જુલાઈ, 2025 ના રોજ, બ્રિટનના સ્કોટલેન્ડના ટર્નબેરીમાં, યુએસ અને ઇયુ વચ્ચે વેપાર કરારની જાહેરાત પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે હાથ મિલાવે છે. REUTERS/Evelyn Hockstein/File Photo

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે રવિવાર, 26 જુલાઇએ વેપાર કરાર થયાં હતાં. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેને યુરોપિયન યુનિયન સાથેની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ગણાવી હતી. સ્કોટલેન્ડમાં તેમના ગોલ્ફ રિસોર્ટમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની ઉચ્ચ-સ્તરની બેઠકમાંથી બહાર નીકળ્યા પછી ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસમાં યુરોપિયન યુનિયનની નિકાસ પર હવે માત્ર 15 ટકા બેઝલાઇન ટેરિફ લાગુ પડશે.

યુરોપિયન માલ પર 30 ટેરિફ યુએસ ટેક્સને ટાળવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા આ સોદો થયો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે એક સોદો કર્યો છે. તે બધા માટે સારો સોદો છે. આ કદાચ કોઈપણ રીતે અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. યુરોપના મહત્વપૂર્ણ ઓટોમોબાઈલ ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર સહિત તમામ ક્ષેત્રો પર 15 ટકા ટેરિફ લાગુ થશે. આ સોદાના ભાગ રૂપે 27 દેશોના EU બ્લોકે અમેરિકા પાસેથી $750 બિલિયનની ઉર્જા ખરીદવા તેમજ $600 બિલિયન વધારાના રોકાણો કરવા સંમતિ આપી છે.

વોન ડેર લેયેને જણાવ્યું હતું કે રશિયા પરના અવલંબનમાં ઘટાડા કરવાના પ્રયાસના ભાગરૂપે યુરોપ હવે યુએસ લિક્વિફાઇડ નેચરલ ગેસ, ક્રુડ ઓઇલ અને પરમાણુ ઇંધણની નોંધપાત્ર ખરીદી ત્રણ વર્ષમાં કરશે. આ કરાર સ્થિરતા લાવશે. એટલાન્ટિકની બંને બાજુના દેશોના બિઝનેસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દ્વિપક્ષીય ટેરિફ મુક્તિ પર સંમતિ સધાઈ હતી, જેમાં અનેક “વ્યૂહાત્મક પ્રોડક્ટ્સ”, ખાસ કરીને વિમાન, ચોક્કસ રસાયણો, કેટલીક કૃષિ પેદાશો અને મહત્વપૂર્ણ કાચા માલનો સમાવેશ થાય છે.

હાલમાં યુરોપ કાર પર 25 ટકા, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50 ટકા અને 10 ટકા બેઝલાઇન ટેરિફનો સામનો કરી રહ્યું છે. વોશિંગ્ટન આ બેઝલાઇન ટેરિફને વધારીને 30 ટકા કરવાની ધમકી આપી હતી.

જોકે ડીલ હેઠળ નક્કી કરાયેલી 15 ટકા ટેરિફ યુરોપ પરની અગાઉની ટેરિફ કરતાં ઘણી ઊંચી છે. અગાઉ યુરોપિયન માલ પર અમેરિકામાં સરેરાશ 4.8 ટકા ટેરિફ હતી.

LEAVE A REPLY