પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

કોવિડ-19 રોગચાળા સામે રસીઓની અસરકારકતામાં ઘટાડો થયો હોવાની આશંકા વચ્ચે, આગામી સપ્ટેમ્બર મહિનાથી દેશના 32 મિલિયન પુખ્ત વયના લોકોને કોવિડ-19 રસીના બૂસ્ટર શોટ આપવાનું શરૂ કરવામાં આવશે. આ માટે 2,000 ફાર્મસીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને અઠવાડિયામાં લગભગ 2.5 મિલિયન લોકોને રસીનો ત્રીજા ડોઝ આપવાનું લક્ષ્ય છે. બૂસ્ટર વેક્સીનેશન ઝુંબેશનો ઉદ્દેશ શિયાળા પહેલા સૌથી વધુ સંવેદનશીલ અને અન્ય લોકોને કોવિડ રોગચાળાને લગતી તમામ ચિંતાઓથી બચાવવાનો છે.

ડેઇલી ટેલિગ્રાફને મળેલી માહિતી મુજબ GP અને અન્ય NHS સ્ટાફ અન્ય સારવારની રાહ જોઈ રહેલા દર્દીઓના વધતા બેકલોગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે દેશની ફાર્મસીઓ આ રસી કાર્યક્રમમાં મોખરે રહેશે. 50 અને તેથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકો, તેમજ ઇમ્યુનો-સરપ્રેસ્ડ લોકોને સૌ પ્રથમ બૂસ્ટર જેબ્સ આપવામાં આવશે.

આ રસી ઝુંબેશ 6 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં રોલઆઉટ પૂર્ણ થશે એવી આશા છે. જેથી બૂસ્ટર ડોઝ લેનાર તમામ લોકો ક્રિસમસની બિનદાસ્ત ઉજવણી કરી શકશે. આ કોવિડ-19 રસીને ફલૂની રસીની સાથે સાથે જ આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેક હાથમાં રસીનું એક-એક ઈન્જેક્શન આપવામાં આવશે.

સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે ‘’મિનિસ્ટર્સ અમારા રસી આપવાના પહેલાના રેકોર્ડને તોડવા માંગે છે. આજની તારીખે, એક જ દિવસમાં આપવામાં આવેલા રસીના ડોઝનો સૌથી મોટો રેકોર્ડ 873,784 લોકોને રસી આપવાનો છે. જે 20 માર્ચના રોજ નોંધાયો હતો. સરકાર રસીકરણ તેની સમયમર્યાદા પૂરૂ કરવા માટે સમગ્ર બૂસ્ટર અભિયાન દરમિયાન અઠવાડિયામાં સરેરાશ 2.46 મિલિયન લોકોને રસી આપવા માંગે છે.

પ્રારંભિક ટ્રાયલ્સમાં સૂચવાયું હતું કે અલગ રસીઓ આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. તે જોતાં કદાચ લોકોને બીજી બૂસ્ટર રસી અપાઇ શકે છે. તેનો અર્થ એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. mRNA રસીઓ ફાઇઝર-બાયોએન્ટેક અને મોર્ડેના, અને સબ્યુનિટ પ્રોટીન રસી નોવાવાક્સના પ્રારંભિક ડેટામાં સકારાત્મક પરિણામો મળ્યા છે.

વેક્સીન મિનિસ્ટર નધીમ ઝહાવીએ સાંસદોને આ અંગે માહિતી આપ્યા બાદ બૂસ્ટર જેબ રોલઆઉટની વિગતો બહાર આવી હતી. તા. 1ના રોજ સરકારે જાહેરાત કરી હતી કે અત્યાર સુધીમાં કોવિડ રસીના 85 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. દેશના 88 ટકા પુખ્ત વયના લોકોએ તેમનો પ્રથમ અને 72 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. પુખ્ત વયના તમામ લોકોને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં બીજો ડોઝ ઓફર કરવામાં આવનાર છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડેટા મુજબ રસીના બે ડોઝ ડેલ્ટા વેરિઅન્ટથી હોસ્પિટલમાં દાખલ થવા સામે 90 ટકાથી વધુ સુરક્ષા પૂરી પાડે છે. રસીકરણમાં સામેલ ફાર્મસીઓની સંખ્યા હાલમાં લગભગ 650 છે જેને ત્રણ ગણી કરાશે.

જૂન માસના અંતમાં, તત્કાલીન હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ફાર્મસીઓ દ્વારા રસી આપવાનો મોટો નિર્ણય લેતાં જણાવ્યું હતું કે “પ્રમાણિકપણે લોકોને દવા – સારવાર આપવા જીપી તેમની પ્રેક્ટિસ અને સર્જરીમાં પાછા આવે તે જરૂરી છે.

NHS ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના મેડિકલ ડિરેક્ટર નિક્કી કાનાણીએ ગયા મહિને વધુ ફાર્મસીઓ રસી આપી શકે તે માટે એક સુવ્યવસ્થિત એપ્લિકેશન પ્રક્રિયાનું અનાવરણ કર્યું હતું. હવે અઠવાડિયામાં 100 રસી આપવા માંગતી ફામર્સી સાઇટ્સને પણ બૂસ્ટર રસી આપવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ તે માટે લાયક બનવા રસીના 1,000 ડોઝ આપવા પડતા હતા.

નેશનલ ફાર્મસી એસોસિયેશન [NPA] માટે ગયા મહિને હાથ ધરાયેલા YouGov પોલમાં 90 ટકા લોકો ફાર્મસીમાં કોવિડ-19 બૂસ્ટર રસી મેળવવાનું વિચારે છે. 30 ટકા લોકોએ સામૂહિક રસીકરણ કેન્દ્રો માટે અને 67 ટકા લોકોએ ફાર્મસીમાં રસી લેવાનું ખૂબ અનુકૂળ રહેશે તેમ જણાવ્યું હતું.

ફાર્મસી ઇન્ડસ્ટ્રીએ કોવિડ રસી આપવા માટે અધિકૃત સાઇટ્સની સંખ્યામાં વધારો કરવાની યોજનાઓને આવકારી છે. એનપીએના ચેરમેન એન્ડ્રુ લેને જણાવ્યું હતું કે ‘’વધુ ફાર્મસીઓ રસીકરણમાં સામેલ થવાથી જીપી વધુ લોકોની સારવાર કરીને બેકલોગ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. મેં શ્રી ઝહાવી સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે લોકોને તેમના સ્થાનિક ફાર્માસિસ્ટ પર ઉચ્ચ સ્તરનો વિશ્વાસ છે. રોગચાળા દરમિયાન દેશના સૌથી વંચિત વિસ્તારો સહિત તમામ સમુદાયોમાં ફાર્મસીઓની હાજરી હતી. સામૂહિક રસીકરણ કેન્દ્રો બંધ થઈ ગયા પછી, ફાર્મસીઓ હજી પણ લાંબા સમય સુધી પોતાની સેવા આપવાનું ચાલુ રાખશે.”

બૂસ્ટર ઝુંબેશ દરમિયાન ફાર્મસીઓને સરકારનું પીઠબળ પાછું ખેંચવાની યોજનાઓને પગલે ફાર્મસી સેક્ટરમાં હવે એ ચિંતા ઉભી થઈ છે, કારણ કે તેમને ખાનગી વીમો લેવાની ફરજ પડશે અને તેમની ભાગીદારીના ખર્ચમાં વધારો કરશે.

ફાર્માસ્યુટિકલ નેગોશિએટિંગ સર્વિસીઝ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ અને સરકાર સાથેની વાતચીત દરમિયાન હાઇ સ્ટ્રીટ ફાર્મસીઓનું પ્રતિનિધિત્વ કરતા સીમોન ડ્યુક્સે મિનિસ્ટર્સને માત્ર જીપી સાઇટ્સને સરકારનું પીઠબળ આપવાની યોજનાને પાછી લેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે તેના નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ. તે વિચિત્ર લાગે છે કે જીપી સાઇટ્સને સરકારનું પીઠબળ મળ્યું છે, પણ ફાર્મસી સાઇટ્સ માટે નહીં. રોગચાળા સામે રાષ્ટ્રીય પ્રયાસ તરીકે અમે પણ શક્ય તેટલું બધું કરવા માંગીએ છીએ.”

ફાર્મસી ઉદ્યોગના અન્ય વરિષ્ઠ સ્રોતે આ ક્ષેત્ર અને આરોગ્ય સેવા વચ્ચેના સંબંધમાં વધુ પારદર્શિતા લાવવાની હાકલ કરતા કહ્યું હતું કે “એનએચએસ અમારી સાથે ડેટા વહેંચવામાં ખૂબ જ વિચિત્ર છે.”

2,000 જેટલી ફાર્મસીઓ કોવિડ રસીકરણ કેન્દ્રો બનશે, જે સંખ્યા સામાન્ય રીતે ફલૂની રસી આપતી 9,500 ફાર્મસીઓ કરતા ઘણી ઓછી છે.

ફાર્મસી સેક્ટરના લોકોએ મિનિસ્ટર્સને ખાતરી કરવા જણાવ્યું હતું કે જે કેમિસ્ટ્સ માર્ચમાં ફલૂ જેબ્સનો સ્ટોક મંગાવે છે, પરંતુ કોવિડ જેબ્સ આપવા તૈયાર નથી તેમને આગામી રસીકરણ ઝૂંબેશ દરમિયાન તરછોડવામાં આવશે નહિં. કેમકે લોકો એવી ફાર્મસીની મુલાકાત લેવાનું પસંદ કરશે જ્યાં તેમને બંને રસી એક જ સમયે મળશે.

એનએચએસના પ્રવક્તાએ કહ્યું: “કોમ્યુનિટી ફાર્મસીઓ એનએચએસ કોવિડ રસીકરણ કાર્યક્રમનો એક મહત્વનો ભાગ રહી છે, જે આરોગ્ય સેવાના ઇતિહાસમાં સૌથી મોટો અને સૌથી સફળ કાર્યક્રમ છે, અને આ ઓટમમાં અમે આગલા તબક્કામાં આગળ વધીએ છીએ ત્યારે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.”

હેલ્થ એન્ડ સોશ્યલ કેર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે બૂસ્ટર પ્રોગ્રામ બાબતે જેસીવીઆઈની અંતિમ સલાહ દ્વારા નિર્ણય લેવાશે અને રોલઆઉટની વિગતોની”યોગ્ય સમયે” પુષ્ટિ કરવામાં આવશે.