જૂનાગઢમાં શનિવાર, 22 જુલાઇએ ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. (PTI Photo)

અમદાવાદ શહેરમાં પણ શનિવાર, 22 જૂને  વિવિધ વિસ્તારોમાં 4થી 7 ઇંચ સુધીનો વરસાદ થતાં રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદને કારણે  મીઠાખળી, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર, શાહીબાગ તથા કુબેરનગર સહિત છ અંડરપાસમાં પાણી ભરાયા હતા અને તેને ટ્રાફિક માટે બંધ કરાયા હતા.

બોપલ-ઘુમા 6.91 ઇંચ, કોતરપુર 6.16 ઇંચ, જોધપુરમાં 5.79 ઇંચ, બોડકદેવમાં 5.77 ઇંચ, ગોતામાં 5.47 ઇંચ, સરખેજમાં 5.45 ઇંચ, ચાંદખેડામાં 5.39 ઇંચ, મણિનગરમાં 4.90 ઇંચ, ઉસ્માનપુરામાં 4.88 ઇંચ, રાણીપમાં 4.88 ઇંચ, પાલડીમાં  4.51 ઇંચ, મેમ્કોમાં  4.15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ગટરલાઇનોમાંથી પાણી બેક મારતાં તમામ અંડરપાસમાં વરસાદી પાણી છેક ઉપર સુધી આવી ગયા હતા. અખબારનગર અંડરપાસમાં એક સિટી બસ ફસાઇ હતી અને તેમાં ડ્રાઇવર સહિત છ જેટલાં મુસાફરો પણ ફસાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર દોડી જઇ તેમને બહાર કાઢ્યા હતા.

સાંજે પાંચથી આઠ વાગ્યા સુધીમાં ચારથી સાત ઇંચ મૂશળધાર વરસાદ વરસાવી દેતાં શહેરનાં તમામ વિસ્તારોની સોસાયટી, ચાલીઓ, રોડ સહિત અંડરપાસ પણ જળમગ્ન થઇ જવા પામ્યા હતા. સાબરમતી નદી પરના  વાસણા બરાજનાં ૧૨ દરવાજા ખોલાવવાનો નિર્ણય કરાયો હતો.

પશ્ચિમ અમદાવાદના વાસણા, પાલડી, આંબાવાડી, નહેરૂનગર, માણેકબાગ, નવરંગપુરા, સીજી રોડ, ઓફ સીજી રોડ, સ્ટેડિયમ, નારણપુરા, વાડજ, નવા વાડજ, સાબરમતીથી લઇને છેક ચાંદખેડા રાણીપ સુધીનાં વિસ્તારોમાં તમામ રોડ અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

નવા પશ્ચિમ ઝોનના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં વૈષ્ણોદેવી સર્કલથી એસ.જી.હાઇવે ઉપર અને સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર, ત્રાગડ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ, જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર, જુહાપુરા, સરખેજ સુધીનાં વિસ્તારોમાં પણ કફોડી હાલત સર્જાઇ હતી.

શહેરના મધ્ય ઝોનનાં કોટ વિસ્તારમાં પોળોના રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શાહીબાગ, અસારવા, રાયપુર, ખાડિયા, જમાલપુર, રાયખડ, શાહપુર, શાહપુર દરવાજા બહાર તાવડીપુરા સહિતનાં વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ઝોનમાં સરદારનગર, કુબેરનગર, એરપોર્ટ વિસ્તાર, નરોડા, મેમ્કો, સૈજપુર બોઘા, સૈજપુર ગરનાળા, મેઘાણીનગર, કૃષ્ણનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, રખિયાલની સોસાયટીઓ અને નીચાણવાળી ચાલીઓમાં તથા રોડ ઉપર પાણી જ પાણી જોવા મળ્યા હતા.

પૂર્વ ઝોનના નિકોલ, નવા નિકોલ, વિરાટનગર,ગોમતીપુર, અમરાઇવાડી, ઓઢવ, ભાઇપુરા, હાટકેશ્વર, કઠવાડા, વસ્ત્રાલ અને રામોલ હાથીજણમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. દક્ષિણ ઝોનમાં મણિનગર, ભૈરવનાથ, કાંકરીયા, ઇસનપુર, વટવા, લાંભા, નારોલ, બહેરામપુરા, દાણીલીમડા, શાહવાડી સુધીના વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.

બીજી બાજુ સાબરમતી નદીમાં પાણીનું લેવલ જાળવી રખાયું હોવાથી વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થઇ શકતો નહોતો. તેથી વાસણા બેરેજનાં ૧૨ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલાવી નાખતાં તમામ વિસ્તારોમાથી ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા હતા.

 

LEAVE A REPLY

3 × two =