4 wetlands in Gujarat have been given 'Ramsar site' status to protect unique ecosystems

વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો દરજ્જો

રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઇ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી, તેમાં ‘સાઇટ’ એવો શબ્દ ઉમેરાય એટલે એવું માનવાને કારણ મળે કે, રામસર ગામમાં કોઇ બાંધકામનું કામ ચાલતું હશે. પણ એવું બિલકુલ નથી. યુનેસ્કો દ્વારા ઇરાનના રામસર શહેરમાં આ માટે થયેલી બેઠકના અનુસંધાને જાહેર કરવામાં આવેલાં સંમેલનને પગલે આવાં વિસ્તારોને ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા આપવામાં આવે છે. જેના આધારે વિશ્વભરમાં આવેલાં જળપ્લાવિત વિસ્તારો, આદ્રભૂમિ (વેટલેન્ડ)માં પનપી રહેલી જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણે પગલાં લેવામાં આવે છે. વેટલેન્ડમાં વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હવે આપને ખ્યાલ આવ્યો હશે કે ખરેખર રામસર સાઇટ શું છે ? તો ચાલો તેના વિશે રસપ્રદ માહિતી મેળવીએ…
વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ- ૧૯૬૦ ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતાં હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી. વર્ષ-૧૯૭૧ માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે.
પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. વર્ષ-૧૯૭૧ માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી વેટલેન્ડને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતાં સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે. તા. ૨૧ ડિસેમ્બર,૧૯૭૫ના રોજ પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી.
ભારતે આ સંધિ તા. ૧ ફેબ્રુઆરી, ૧૯૮૨ના દિનથી અપનાવી છે. પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે.
નાયબ વન સંરક્ષણ રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું કે, રામસર સાઇટ નિયત કરવાં માટે કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડો છે. જેમાં એવાં સ્થળો કે, જ્યાં જૈવ ભૌગોલિક વિસ્તારમાં જૂજ અને વિશિષ્ટ પ્રકારની આદ્રભૂમિ હોવી જોઇએ. જોખમ કે અતિ જોખમમાં હોય, લુપ્ત થવાના આરે હોય, પ્રજાતિનો નષ્ટ થવાનો ભય હોય એવી જીવસૃષ્ટિ માટે અનુકૂળ ભૂમિ હોવી જોઇએ. જૈવ ભૌગોલિક વિસ્તારમાં વૃક્ષો અને પ્રાણીસમૂહની વસતિ અનુકૂળ અને જૈવવિવિધતાને જાળવી રાખતી હોય એવી ભૂમિ હોવી જોઇએ. આવી જૈવસંપદાને આપત્તિના સમયમાં અથવા પ્રતિકૂળ સંજોગોમાં આશ્રય હોય, ૨૦ હજાર કે તેનાથી વધુ પક્ષીઓને પોષણ અને આશરો આપતી હોય, પક્ષીઓની જાતિના એક ટકા જેટલાં પક્ષીઓ પોષણ મેળવતા હોય, તેમજ આસપાસના વિસ્તારોમાં ખોરાકના સ્ત્રોત સાથે હંગામી વસવાટ માટે મેદાન અને સ્થળાંતરણનો માર્ગ હોય જે નિયમિત રીતે પક્ષી જાતિની એક ટકા જાતિના સમૂહ કે પેટા સમૂહને અનુકૂળ હોય એવી ભૂમિને ‘રામસર સાઇટ’ માટે પસંદ કરવામાં આવે છે.
‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઉક્ત માપદંડો પૈકી કોઇ વિશેષતા ધરાવતાં સ્થળ માટે વનવિભાગ દ્વારા પોતાના રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગને દરખાસ્ત કરવામાં આવે છે. આ દરખાસ્તને આધારે નિયત માપદંડોની ચકાસણી કરી યુનેસ્કોને જે-તે આદ્રભૂમિને ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે. યુનેસ્કોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને જે-તે સ્થળને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.

દેશમાં ‘રામસર સાઇટ’ જાહેર થયાં બાદ જે-તે વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળવાની સાથે તેની જૈવસંપદાના સંરક્ષણ માટે વિશેષ બળ અને પ્રયત્ન થાય છે. આ ઉપરાંત, જે તે રાજ્ય સરકાર દ્વારા ‘રામસર સાઇટ’ માટે વિશેષ અનુદાન આપવામાં આવે છે. ગુજરાતમાં આવેલી આવી ચાર સાઇટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ભારતમાં અત્યાર સુધીમાં ૭૫ વેટલેન્ડવાળા વિસ્તારોમાં પોષિત થઇ રહેલી જૈવ વિવિધતાને ધ્યાને રાખીને તેને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. ભારતમાં ‘રામસર સાઇટ’ હોય તેવી આદ્રભૂમિનો કુલ વિસ્તાર ૧૩,૨૬,૬૭૭ હેક્ટર જેટલો છે. ગુજરાતમાં ‘રામસર સાઇટ’ તરીકે અત્યાર સુધીમાં ચાર સ્થળોનો સમાવેશ થયો છે. જેમાં વર્ષ-૨૦૧૨માં અમદાવાદ નજીક નળ સરોવર પક્ષી અભયારણ્ય, વર્ષ- ૨૦૨૧માં મહેસાણા જિલ્લાના થોળ તળાવ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઇ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવી છે. આ ચારેય સાઇટનો કુલ વિસ્તાર ૧૩,૮૪૧ હેક્ટર જેટલો થાય છે.

કુલ ત્રણ પ્રકારની ‘રામસર સાઇટ’ હોય છે. જેમાં દરિયાઇ અને દરિયાઇ પટ્ટી, આંતરિક વેટલેન્ડ અને માનવ સર્જિત આદ્રભૂમિ એમ ત્રણ પ્રકાર છે. મજાની વાત તો એ છે કે, આખા ભારતમાં માનવ સર્જિત આદ્રભૂમિ હોય એવી માત્ર પાંચ જ ‘રામસર સાઇટ’ છે, જેમાંથી એક ગુજરાતની ‘વઢવાણા તળાવ’ છે. આ તળાવ મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવ્યું હતું. આવાં માનવ નિર્મિત જળપ્લાવિત વિસ્તાર બિહારમાં એક, તામિલનાડુમાં બે અને મહારાષ્ટ્રમાં એક છે.

LEAVE A REPLY

15 + eight =