અમેરિકામાં કોરોના વાઇરસને કારણે 40થી વધુ ભારતીય અમેરિકન અને ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે, તો 1500થી વધુ મૂળ ભારતીયો ચેપગ્રસ્ત થયા છે. અમેરિકામાં કોરોના વાઈરસનો રોગચાળો વધતા ભારતીય સમુદાયના અગ્રણીઓએ આ અંગે માહિતી આપી હતી. અમેરિકામાં કોરોનાનું કેન્દ્ર બિન્દુ બનેલા ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે, અને ત્યાં જ ભારતીયોની સૌથી વધુ વસતી છે.

કોરોનાથી થયેલા મૃત્યુમાં સૌથી વધુ કેરળના વતનીઓની સંખ્યા 17 છે. આ ઉપરાંત ગુજરાતના 10, પંજાબના ચાર, આંધ્ર પ્રદેશના બે અને ઓડિશાની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં મોટાભાગના લોકોની ઉંમર 60 વર્ષથી વધુની હતી જ્યારે સૌથી નાના દર્દીની ઉંમર 21 વર્ષ હતી. ન્યૂ જર્સીમાં 12થી વધુ ભારતીયોના મૃત્યુ થયા છે, તેઓ મોટાભાગે ન્યૂ જર્સી સિટી અને ઓક ટ્રી રોડના લિટલ ઇન્ડિયા વિસ્તારની આસપાસના હતા. ન્યૂ યોર્કમાં પણ ઓછામાં ઓછા 15 ભારતીયોના મોત થયા છે. પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં ચાર ભારતીયોના મૃત્યુ થયા છે. ટેક્સાસ અને કેલિફોર્નિયામાં ઓછામાં ઓછા એક-એક ભારતીય અમેરિકનનું મૃત્યુ થયું છે.

ન્યૂજર્સીના ઓક ટ્રી વિસ્તારમાં રીઅલ એસ્ટેટના બિઝનેસમેન ભાવેશ દવે કહે છે કે, અમે અગાઉ આવી સ્થિતિ ક્યારેય જોઇ નથી. મૃતકોમાં સુનોવા એનાલિટિક્સના સીઇઓ હનુમંતરાવ મારેપલ્લી, ચંદ્રકાંત અમીન (75), મહેન્દ્ર પટેલ (60)નો પણ સમાવેશ થાય છે. પટેલના અંતિમ સંસ્કારમાં વીડિયો કોલિંગ દ્વારા 50થી વધુ પરિવારજનો સામેલ થયા હતા. અંતિમવિધિમાં નવથી વધુ લોકો એકત્ર થઈ શકતા નથી.

ન્યૂ જર્સીમાં ઓછામાં ઓછા એક ભારતીયનું મૃત્યુ તેના ઘરમાં થયું છે. સમાજના અગ્રણીઓ કહે છે કે, ન્યૂ જર્સીમાં 400થી વધુ અને ન્યૂ યોર્કમાં એક હજારથી વધુ ભારતીયો ચેપગ્રસ્ત થયા છે. ન્યૂ યોર્કમાં કેટલાક ભારતીય ટેક્સી ડ્રાઇવર પણ કોરોના વાઈરસના રોગચાળામાં સપડાયા છે. એવી પણ માહિતી મળી છે કે ભારતીય સમાજના કેટલાક અગ્રણીઓ પણ કોરોનાનો શિકાર થયા છે પરંતુ તેમના નામ જાહેર કરવામાં નથી આવ્યા.

કેટલાક દિવસ પહેલા વેન્ટિલેટરથી હટાવાયેલા રસિક પટેલ (60)ની હાલત ગંભીર છે, તેનાથી ભારતીયોમાં ભય વ્યાપ્યો છે. ઘણા લોકો સેવાકાર્યો પણ કરી રહ્યા છે. જર્સી સિટી મેડિકલ સેન્ટરમાં રાજભોગ સ્વીટ્સના અજિત, સચિન અને સંજય મોદી વિના મૂલ્યે ભોજન પહોંચાડે છે. ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડના ભાવેશ દવેએ આરોગ્ય કર્મચારીઓને એક હજાર માસ્ક આપવા માટે ભંડોળ એકત્ર કરવા ઝુંબેશ શરૂ કરી છે. વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકાના સ્વયંસેવકો બોસ્ટનમાં લોવેલ જનરલ હોસ્પિટલ અને ઇમરજન્સી કર્મચારીઓ માટે નિશુલ્ક ભોજનનું વિતરણ કરે છે.