શિયાળાના ઠંડા મહિનાઓ પહેલા યુકેમાં વસતા લોકોની કોવિડ-19 પ્રતિરક્ષા ઘટતી જાય છે ત્યારે બ્રિટનમાં વસતા 40થી 49 વર્ષની વયના લોકોને કોવિડ-19 બૂસ્ટર વેક્સીન આપવામાં આવશે. હાલમાં 50 વર્ષથી વધુ વયના, તબીબી રીતે સંવેદનશીલ અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને બૂસ્ટર વેક્સીન આપવામાં આવે છે.

હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “અમારા કોવિડ-19 રસીકરણ રોલઆઉટને અસાધારણ સફળતા મળી છે, તેણે અસંખ્ય લોકોના જીવન બચાવ્યા છે, NHS પર દબાણ ઓછું કરવામાં અને વાયરસના ફેલાવાને રોકવામાં અમને મદદ કરી છે. અમે આ કાર્યક્રમને વધુ વિસ્તારી રહ્યા છીએ અને મેં JCVIના સ્વતંત્ર નિષ્ણાતોની સલાહ સ્વીકારી છે અને 40 અને તેથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર રસી આપવાનું નક્કી કર્યું છે. મેં NHSને શક્ય તેટલી વહેલી તકે પાત્રતા ધરાવતા લોકોને રસી આપવાની તૈયારી કરવા કહ્યું છે. આ એક રાષ્ટ્રીય મિશન છે અને રસીઓ તમારી જાતને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને હું દરેકને વિનંતી કરું છું કે તમે બને તેટલી વહેલી તકે તમારી રસી મેળવો.”

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ કરેલા અભ્યાસ મુજબ કોવિડ-19 બૂસ્ટર રસી 50 વર્ષ કરતા વધુ વયના લોકોને કોવિડ-19 સામે 90 ટકાથી વધુ રક્ષણ આપે છે.

જોઇન્ટ કમિટી ઓન વક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશનના અધ્યક્ષ વેઈ શેન લિમે કહ્યું હતું કે “વધુ સંવેદનશીલ પુખ્ત વયના લોકોમાં બૂસ્ટર રસીનો ડોઝ અને 16-17 વર્ષની વયના લોકોમાં રસીનો બીજા ડોઝ કોવિડ-19 ચેપ અને ગંભીર રોગ સામેના રક્ષણને વધારવાની મહત્વપૂર્ણ રીતો છે. આ રસીકરણો અમારી સુરક્ષાને 2022 સુધી લંબાવવામાં પણ મદદ કરશે.”

બ્રિટન મુખ્યત્વે બૂસ્ટર રોલઆઉટમાં ફાઇઝર-બાયોએન્ટેક અને મોડેર્ના રસીનો ઉપયોગ કરી રહ્યું છે અને બીજી રસી લીધી હોય તેના 6 મહિના પછી લોકો બૂસ્ટર રસી માટે પાત્ર બને છે.

એક અભ્યાસમાં જણાયું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બૂસ્ટર રસીની ભલામણ કરવાનો અર્થ નથી કારણ કે તે વય જૂથના લોકોને મૂળ રસીથી મળતા રક્ષણમાં ઘટાડાનો કોઈ મજબૂત પુરાવો મળ્યો નથી.

વડા પ્રધાન બોરિસ જૉન્સન અન્ય કોવિડ લોકડાઉનનો આશરો લેવો ન પડે અને હોસ્પિટલો પર શિયાળામાં દબાણ ન આવે તે માટે બાળકોને અને લોકોને બૂસ્ટર રસી આપવાનું વલણ રાખી રહ્યા છે. JCVI હવે 16 થી 17 વર્ષની વયના તમામ લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપવા આમંત્રિત કરવા માંગે છે.