પ્રતિક તસવીર REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળવાથી ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતાં. ગ્રીન કોઝી કોટેજ નામની ઈમારતમાંથી 75 લોકોને બચાવી બહાર કાઢવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાન સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને તેની નજીકની બર્ન હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે આગથી 43 લોકોના મોત થયા છે. ઢાકાની મુખ્ય પોલીસ હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 44 પર પહોંચ્યો હતો. ઓછામાં ઓછા 40 ઘાયલ લોકોને શહેરની મુખ્ય બર્ન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી કોઈ ખતરાની બહાર નથી.

અગ્નિશામકોએ બે કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેઓએ 75 લોકોને જીવતા બચાવ્યા હતાં. ફાયર અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હતી. સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતો.

બેઈલી રોડ બિલ્ડીંગમાં મુખ્યત્વે રેસ્ટોરન્ટની સાથે અનેક કપડાં અને મોબાઈલ ફોનની દુકાનો આવેલી છે. બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે ગુરુવારે રાત્રે લગભગ 9:50 વાગ્યે આગ પહેલા માળે રેસ્ટોરન્ટમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ હતી. બાજુમાં બીજી ઘણી રેસ્ટોરન્ટની સાથે કપડાની દુકાન પણ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments