અમદાવાદમાં રવિવારે નમાજ અદા કરતી વખતે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો પછી પોલીસ કમિશનર જીએસ મલિક પોલીસ કર્મચારીઓ સાથે ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.(ANI Photo)

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નમાઝ અદા કરવા બદલ થયેલા હુમલાના સંદર્ભમાં પોલીસે અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓને નવી વિંગમાં શિફ્ટ કરવાનો અને સુરક્ષાને મજબૂત કરવા ભૂતપૂર્વ સૈનિકોને સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો.

તમામ હુમલાખોરોની તપાસ કરવા અને ઓળખવા માટે પોલીસે નવ ટીમોની રચના કરી છે. સોમવારે ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહિલ દુધાતિયાની ધરપકડ કરાઈ હતી. અગાઉ  હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ થઈ હતી. આનાથી ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા પાંચ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, બાકીના ગુનેગારોને પકડવા માટે પ્રયાસો ચાલુ છે.

યુનિવર્સિટી હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ પઢતા વિદેશી વિદ્યાર્થીઓ પર એક ટોળાએ હુમલો કર્યો હતો. તાત્કાલિક પગલાં લઇને સરકાર સંચાલિત યુનિવર્સિટીએ ત્રણ દિવસમાં બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે નિયુક્ત અલગ હોસ્ટેલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં હોસ્ટેલ પરિસરની સુરક્ષાને વધુ મજબૂત કરવા ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓની તૈનાતી સાથે વિદેશી વિદ્યાર્થી સલાહકાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે.

પોલીસે 20-25 અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધી છે. શનિવારે હુમલા પછી શ્રીલંકાના એક અને તાજિકિસ્તાનનો એક એમ બે વિદેશી વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાક્રમો વચ્ચે, ગુજરાત હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકા ખંડના દેશો સહિત લગભગ 300 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

LEAVE A REPLY

11 − seven =