વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. (ANI Photo)

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 13 માર્ચે ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.1.25 લાખ કરોડના છે અને તેનાથી લાખ્ખો લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

આ ત્રણ પ્લાન્ટમાં ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી, આસામના મોરીગાંવમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટી અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો સમાવેશ થાય છે.

સરકારના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપવાનું વડાપ્રધાનનું વિઝન છે, જે દેશના યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરે છે.

ગુજરાતના ધોલેરા ખાતે ફેબ્રિકેશન (ફેબ) ફેસિલિટીની સ્થાપના ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) કરશે. ₹91,000 કરોડથી વધુના કુલ રોકાણ સાથે આ દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ ફેસિલિટી હશે. આસામના મોરીગાંવમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોજેક્ટ પણ ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) હાથ ધરશે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ.27,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.

સાણંદમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોજેક્ટ્સ CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ હાથ ધરશે. આ પ્રોજેક્ટ્સમાં લગભગ ₹7,500 કરોડનું રોકાણ કરાશે.

આ ત્રણ પ્રોજેક્ટ્સ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે અને ભારતને મજબૂત સ્થાન આપશે. આ એકમો હજારો લોકોને રોજગારી આપશે અને ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરશે.

 

LEAVE A REPLY

3 × 1 =