પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટીશ સંશોધકોની તપાસમાં જણાયું છે કે યુકેનો એક અનામી દર્દી 505 દિવસ સુધી કોવિડ પોઝિટિવ રહ્યો હતો અને પછી મરણ પામ્યો હતો. તે વ્યક્તિ સૌથી લાંબા સમય સુધી કોવિડ-19નો ચેપ ધરાવતા હોવાનો રેકોર્ડ નોંધાયો છે.

કિંગ્સ કોલેજ લંડન અને ગાય્ઝ એન્ડ સેન્ટ થોમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમે જણાવ્યું હતું કે સતત ચેપ માટેનો અગાઉનો રેકોર્ડ 335 દિવસનો હોવાનું માનવામાં આવે છે. આ અનામી વ્યક્તિને 2020ના મધ્યમાં શ્વસન લક્ષણોનું નિદાન થયું હતું. તેમના મૃત્યુ સુધી હોસ્પિટલમાં જતા પહેલા લગભગ 45 વખત તેઓ ટેસ્ટમાં કોવિડ પોઝીટીવ જણાયા હતા.

ઓછામાં ઓછા આઠ અઠવાડિયા સુધી નવ દર્દીઓમાં કોવિડનો ચેપ સરેરાશ 73 દિવસ સુધી ચાલુ રહ્યો હતો. બે દર્દીઓને તો એક વર્ષથી વધુ સમય સુધી સતત ચેપ લાગ્યો હતો. તે નવમાંથી પાંચ દર્દી બચી ગયા હતા. પાંચમાંથી બે લોકો સારવાર વિના સ્વસ્થ થયા હતા. અન્ય બે એન્ટિબોડી અને એન્ટિવાયરલ થેરાપી પછી સ્વસ્થ થયા હતા. પાંચમી વ્યક્તિને 2022ની શરૂઆતમાં તેમના છેલ્લા ફોલો-અપ ટેસ્ટમાં ચેપ લાગ્યો હતો. સારવાર પછી પણ તેમને 412 દિવસ સુધી કોવિડ ચેપ રહ્યો હતો. અંગ પ્રત્યારોપણ, એચઆઇવી, કેન્સર અથવા અન્ય તબીબી ઉપચારોને કારણે આ તમામ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી.