જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે તે અત્યાધુનિક સંચાર વ્યવસ્થા-5જીની ટ્રાયલ ભારતમાં બે વર્ષથી થઇ રહી છે અને તે મે 2022 સુધી ચાલશે. હવે 5જી ની કોમર્શિયલ લોન્ચિંગ અંગે સરકારના કમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટે કહ્યું છે કે મેટ્રો અને મોટા શહેરોમાં 5જી સર્વિસ પહેલા લોંચ કરવામાં આવશે.
ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગુરુગ્રામ, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ અને પૂણે જેવા મોટા શહેરોમાં 5જી પહેલા લોન્ચ કરવામાં આવશે અને આ લોન્ચિંગ ટ્રાયલ પર નથી, પરંતુ કમર્શિયલ તબક્કે હશે. આ શહેરોમાં અગાઉથી જ વોડાફોન આઈડિયા, જિયો અને એરટેલ પોતાના 5જી નેટવર્કની ટ્રાયલ કરી રહ્યા છે. 5જીના નવા સ્પેક્ટ્રમની હરાજી માર્ચ-એપ્રિલ 2022માં થશે અને તે બાદ 5જી નેટવર્કને લોન્ચ કરાશે, જોકે સ્પેકટ્રમની કિંમત અંગે કોઈ નિવેદન આપ્યું નથી. સ્પેક્ટ્રમની કિંમત વધારે હશે તો 5જીના પ્લાન પણ મોંઘા હશે.
ભારતીય બજારમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 100 કરતા વધારે 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સિવાય અન્ય 5જી ડિવાઈસ પણ બજારમાં છે. હવે ગ્રાહકો 5જી સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. સ્માર્ટફોન બનાવનાર કંપનીઓએ હવે લગભગ 4જી ફોનને લોન્ચ કરવાનું જ બંધ કરી દીધું છે.