Getty Images)

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 76,570 કેસો નોંધાયા તે સાથે અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા ચાર મિલિયનનો આંક વટાવી ગઇ છે. આ સાથે અમેરિકામાં કુલ 4,032,430 કોરોનાના કેસો અને 1,44,167 જણાના મોત નોંધાયા છે. દક્ષિણ અને પશ્ચિમના રાજ્યો ખાસ કરીને ટેક્સાસ, કેલિફોનયા, અલાબામા, ઇડાહો અને ફલોરિડામાં દૈનિક મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

અમેરિકામાં સતત ત્રીજા દિવસે આજે 1000 કરતાં વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. મંગળવારે 1141, બુધવારે 1135 અને ગુરૂવારે 1014 મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના પ્રથમ એક મિલિયન કેસ નોંધાતા 98 દિવસનો સમય લાગ્યો હતો પણ ત્રણ મિલિયનથી ચાર મિલિયનના આંકડે પહોંચવામાં માત્ર સોળ દિવસ જ લાગ્યા હતા. આમ દર 82 અમેરિકનમાંથી એક અમેરિકનને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

હાલ અમેરિકામાં દર કલાકે 2600 કેસોની સરેરાશ સાથે નવા કેસોની સંખ્યા વધી રહી છે. દરમ્યાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાળાઓ ફરી શરૂ કરવાના મામલે તેમનું વલણ નરમ કર્યું છે. તેમણે કોરોનાના કેસોની સંખ્યામાં જ્યાં ઉછાળો આવ્યો હોય ત્યાં શાળાઓને થોડા સપ્તાહ મોડી ખોલવા જણાવ્યું હતું. તેમણે આ બાબતે નિર્ણય લેવાનું જે તે રાજ્યના ગવર્નર્સ પર છોડયું હતું. ટ્રમ્પ માટે શાળાઓ ફરી શરૂ કરવાનું અગ્ર ક્રમે છે કેમ કે બાળકો શાળાએ જાય તો તેમના માતાપિતા કામે ચડી શકે અને ઇકોનોમી ફરી પાટે ચડે.

બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે હર્ડ ઇમ્યુનીટી વિકસવાને હજી સમય લાગે તેમ છે અને રસી દ્વારા કોરોનાને માત કરવો તે બહેતર વિકલ્પ છે. તેમણે ચેતવણીના સૂરે જણાવ્યું હતું કે હર્ડ ઇમ્યુનીટી હજી એક વર્ષ દૂર છે. આની સામે રસીનો ઉપાય બહેતર છે કેમ કે તેમાં લોકો માંદા પડશે નહીં અને મરશે પણ નહીં.