
ગુજરાતના વડોદરા જિલ્લામાં બુધવારે સવારે ચાર દાયકા જૂનો મહિસાગર નદી પરનો એક બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને 10 લોકો ઘાયલ થયા હતાં. પાંચ અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. બે થાંભલાઓ વચ્ચેના પુલનો આખો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેનાથી બ્રિજ બે ટુકડા થઈ ગયો હતો.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોને જોડતા ગંભીરા પુલનો સ્લેબ તૂટી પડતાં પાંચ વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા.
ગુજરાતના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ ૧૯૮૫માં બનાવવામાં આવ્યો હતો અને જરૂર પડ્યે સમયાંતરે તેની જાળવણી કરવામાં આવતી હતી. આ ઘટના પાછળના ચોક્કસ કારણની તપાસ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનિકલ નિષ્ણાતોને સ્થળ પર પહોંચવા અને બ્રિજ ધરાશાયી થવાના કારણની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે બની હતી અને નદીમાં પડી ગયેલા વાહનોમાં બે ટ્રક અને બે વાનનો સમાવેશ થાય છે. વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીં.
વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલ લગભગ ૯૦૦ મીટર લાંબા ગંભીરા પુલમાં ૨૩ થાંભલા છે અને તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. તેનું ઉદ્ઘાટન ૧૯૮૫માં થયું હતું.
