અમદાવાદવાસીઓને બહુચર્ચિત પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે, જેના લીધે ટૂંક સમયમાં રૂ. 2200 કરોડની કિંમતની જમીન ખુલ્લી થઇ જશે.

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યારે 300 ટીપીડી (ટન્સ પ્રતિ દિવસ)ક્ષમતાના ૬૦ ટ્રોમીલ મશીન, ૧૦૦૦ ટી પીડી કેપેસેટી ના 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો, 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક ઓપરેશનમાં છે. દરરોજ બે શિફ્ટમાં 29 -30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે. પિરાણામાં 85 એકર વિસ્તારમાં કચરાના ડુંગર છે, જ્યાં છેલ્લા ચાર દાયકાથી શહેરનો 1 કરોડ 25 લાખ મેટ્રિક ટન કરતા વધુ કચરો એકઠો થયો છે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે.

અહીં સાઇટ પર રોડ ટ્રીટ ટ્રોમીલ મશીન સાઇટ પર કાર્યરત છે. તેની મદદથી કચરામાંથી માટી, કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું સહિતની ચીજોનું પૃથક્કરણ કરવામાં આવે છે. આ મશીનની મદદથી કચરાનો ભુક્કો કરીને તેને ખાતર જેવું બનાવવામાં આવે છે.
આ કચરાના નિકાલમાંથી 70 ટકા માટી નીકળી રહી છે. આ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા હાઇવેમાં થઇ રહ્યો છે. તે સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને સાબરમતી ગાંધી આશ્રમની રિડેવલપમેન્ટ કામગીરીમાં પણ પિરાણાથી માટી મોકલવામાં આવી રહી છે. આ માટીની ઉપલબ્ધિ કરાવવાથી કોર્પોરેશનને આવક પણ ઉભી થઇ છે.

LEAVE A REPLY